Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી માટે રસીના બંને ડોઝની શરત યથાવત, મહારાષ્ટ્ર સરકારે દૂર કરી મૂંઝવણ
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રને અનલૉક કરવા અને કોરોના સમયગાળાના નિયંત્રણો દૂર કરવા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરતા પહેલા બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરી હતી. રાજ્ય સરકારે મુંબઈ લોકલના કિસ્સામાં રસીના બંને ડોઝની શરતને દૂર કરવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો.
મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai local train) મુસાફરી કરવા માટે રસીના બંને ડોઝ ફરજિયાત છે. એટલે કે જે લોકોએ રસીકરણ પૂર્ણ કર્યું છે તે જ લોકો મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) આ નિયમ જાળવી રાખ્યો છે. શરતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. માત્ર મુંબઈ લોકલ જ નહીં, તમામ જાહેર પરિવહન સંબંધિત સેવાઓના ઉપયોગ માટે સંપૂર્ણ રસીકરણની શરત યથાવત છે. મુંબઈ લોકલમાં મુસાફરી માટે રસીકરણની આ કડક શરત સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે બુધવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.
રાજ્ય સરકારના કોરોના નિયંત્રણોમાં છૂટછાટ સંબંધિત નવી માર્ગદર્શિકા પણ બુધવારે જાહેર કરવામાં આવી છે. જે 1 માર્ચના રોજ તૈયાર કરવામાં આવી હતી. આ હાઈકોર્ટની પરવાનગીથી જ જાહેર કરવામાં આવી છે. પરંતુ કોર્ટે અરજદારોને માર્ગદર્શિકાને પડકારવાનો અધિકાર આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની સ્પષ્ટતા, રસીકરણમાં છૂટ નહીં
જો કે, બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ સવાલ કર્યો હતો કે ‘એક તરફ તમે કહો છો કે કોરોના રસીકરણ માટે કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં અને બીજી તરફ તમે એવી સ્થિતિ બનાવો છો કે રસી વિના કોઈ રસ્તો બચ્યો નથી. લોકોના મૂળભૂત અધિકારનું શું?’ પરંતુ મહારાષ્ટ્ર સરકાર રસીકરણની શરત દૂર કરવા તૈયાર ન થઈ. તમને જણાવી દઈએ કે લગભગ બે વર્ષ થઈ ગયા છે, પરંતુ મુંબઈ લોકલની સફર દરેક માટે શરૂ થઈ નથી.
મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરતા પહેલા હાઈકોર્ટમાં રજૂ કરી
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રને અનલૉક કરવા અને કોરોના સમયગાળાના નિયંત્રણો દૂર કરવા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરતા પહેલા બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરી હતી. રાજ્ય સરકારે મુંબઈ લોકલના કિસ્સામાં રસીના બંને ડોઝની શરતને દૂર કરવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો.
મોલ, થિયેટરો, પર્યટન સ્થળોમાં પણ રસીકરણની શરત યથાવત
રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકામાં મોલ, થિયેટરો, પ્લે હોલ, પર્યટન સ્થળોએ રસીના બંને ડોઝની શરતો જાળવવામાં આવી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની કોરોના પ્રતિબંધોને લગતી આ નીતિ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.