MSRTC Strike: રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓને મહારાષ્ટ્ર સરકારની મોટી ઓફર, બુધવારે હડતાળ સમાપ્ત થવાની શક્યતા!
અનિલ પરબે કહ્યું, 'જ્યાં સુધી કમિટિનો રિપોર્ટ ન આવે, હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાનો નિર્ણય લઈ શકાય છે. અમે કામચલાઉ પગાર વધારવાની ઓફર કરી છે. ફરી એકવાર સવારે 11 વાગે નિર્ણય લેવા માટે બેઠક થશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Maharashtra State Road Transport Corporation- MSRTC) ના કર્મચારીઓની હડતાળને સમાપ્ત કરવા માટે મંગળવારે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. મંગળવારે એસટી કર્મચારીઓની હડતાળનો (MSRTC Strike) અંત લાવવા પરીવહન મંત્રી અનિલ પરબે (Anil Parab) મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો સદાભાઉ ખોત, ગોપીચંદ પડલકર અને એસટી કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર હતા.
આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ પછી મીડિયા સાથે વાત કરતાં અનિલ પરબે મીટિંગમાં સરકાર દ્વારા કરવામાં આવેલી ઓફર વિશે માહિતી આપી હતી. અનિલ પરબે કહ્યું કે ‘સરકારની મુશ્કેલી એ છે કે માનનીય કોર્ટે એક સમિતી બનાવી છે. તે સમિતિનો રિપોર્ટ તૈયાર થાય અને તેના પર હાઈકોર્ટનો નિર્ણય આવે તે પહેલાં અમે કોઈ નિર્ણય લઈ શકીએ તેવી સ્થિતિમાં નથી.
હાઈકોર્ટમાં મામલો હોવાથી અમે કહીએ છીએ કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી એસટી કર્મચારીઓના વિલીનીકરણ સિવાય અન્ય માંગણીઓ હોય તો અમે તે અંગે વચગાળાનો નિર્ણય લઈ શકીએ. વચગાળામાં પગાર વધારવાનો વિકલ્પ હોઈ શકે છે.
STની હડતાળ ખતમ કરવા માટે આપવામાં આવેલી ઓફર અંગે સવારે 11 વાગ્યે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક
સરકાર દ્વારા આપવામાં આવેલી આ ઓફર પર વિચારણા કરવા અથવા એસટી કર્મચારીઓ દ્વારા મર્જર સિવાય અન્ય કોઈ માંગણીઓ હશે તો તે દરખાસ્તો પર ફરી એકવાર સવારે 11 વાગ્યે બેઠક યોજવામાં આવશે. સરકારે કર્મચારીઓના કોર્ટમાં બોલ નાખ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજ્ય સરકાર સાથે વિલીનીકરણના પ્રસ્તાવ સિવાય સરકારે તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
અનિલ પરબે કહ્યું, ‘જ્યાં સુધી કમિટીનો રિપોર્ટ ન આવે, હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાનો નિર્ણય લઈ શકાય છે. અમે કામચલાઉ પગાર વધારવાની ઓફર કરી છે. ફરી એકવાર સવારે 11 વાગે નિર્ણય લેવા માટે બેઠક થશે.
જો એસટી કર્મચારીઓના વિલીનીકરણની તરફેણમાં રિપોર્ટ નહીં આવે તો શું?
એસટી કર્મચારીઓ વતી ચર્ચામાં સામેલ થયેલા ધારાસભ્યો ગોપીચંદ પડલકર અને સદાભાઉ ખોત પણ બેઠક બાદ સકારાત્મક દેખાયા હતા. તેમણે બહાર મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે સરકાર સકારાત્મક વિચાર કરવા તૈયાર છે. ઓછામાં ઓછી આ બે બાબતો સરકારના ધ્યાને આવી છે કે રાજ્ય વાહનવ્યવહાર નિગમના કર્મચારીઓનો પગાર ઘણો ઓછો છે અને પગારમાં કોઈ નિશ્ચિતતા નથી. ઘણીવાર પગાર સમયસર આવતો નથી. સરકાર આ બંને બાબતો પર ગંભીરતાથી વિચાર કરવા તૈયાર છે.
એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જો સમિતીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો સરકાર મર્જરને સ્વીકારશે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવશે તો શું? આ અંગે ગોપીચંદ પડલકરે કહ્યું કે આ અંગે પણ અંદર ચર્ચા થઈ હતી. આમ થશે તો પણ સરકાર સકારાત્મક ભૂમિકા ભજવશે તેમ જણાવાયું છે. સરકારનું કહેવું છે કે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ જેટલો જ પગાર નક્કી કરવા જેવા પગલા લેવામાં આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે બુધવારની બેઠકમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી આ હડતાળનો અંત આવે છે કે કેમ.
આ પણ વાંચો : NPS માં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી મળશે 1 લાખ રૂપિયા કરતા વધારે માસિક પેન્શન, જાણો અહીં