TET Exam Scam: મહારાષ્ટ્ર TET પરીક્ષામાં મોટુ કૌભાંડ, 7 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ પૈસા દઈને થયા પાસ
વર્ષ 2019-20 માં MSCE, પુણે દ્વારા લેવામાં આવેલ શિક્ષક પાત્રતા કસોટીમાં 16 હજાર 592 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા હતા, તેમાંથી સાત હજાર આઠસો ઉમેદવારો નાપાસ થયા હોવાનું બહાર આવ્યુ છે.
TET Exam Scam: મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા કૌભાંડમાં (TET Exam) દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હાલ આ પરીક્ષામાં નાપાસ થયેલા 7 હજાર 800 ઉમેદવારો પાસેથી પૈસા દઈને પાસ થયા હોવાનુ સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, પૂણે સાયબર પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન MSCE, (Maharashtra State Council of Examination) પુણે દ્વારા વર્ષ 2019-20માં લેવામાં આવેલી આ પરીક્ષામાં 16 હજાર 592 ઉમેદવારો પાસ જાહેર થયા હતા. તેમાંથી સાત હજાર આઠસો ઉમેદવારો પૈસા દઈને પાસ થયા હોવાનુ સામે આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.
સાયબર પોલીસની તપાસમાં થયો મોટો ખુલાસો
વર્ષ 2018માં લેવાયેલી પરીક્ષામાં પણ નાપાસ થયેલા ઉમેદવારો પાસેથી મોટા પાયે પૈસા ઉઘરાવવાના આરોપોની તપાસ હાલ ચાલી રહી છે. આ મામલાની તપાસના સંદર્ભમાં પૂણે સાયબર પોલીસ રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા આપવામાં આવેલી માહિતી અને પરીક્ષાના પરિણામોની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
આ જ તપાસ દરમિયાન સાયબર પોલીસને 2019-20ની પરીક્ષાના પરિણામો અંગેના કૌભાંડની જાણ થઈ. પુણે સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, 2019-20ની પરીક્ષામાં કુલ 16 હજાર 592 ઉમેદવારો પાસ થયા હતા, પરંતુ જ્યારે પરીક્ષાના પરિણામોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લગભગ 7 હજાર 800 ઉમેદવારો નાપાસ થયા હોવા છતા પાસ કરવામાં આવ્યા છે.
પુણે સાયબર પોલીસ TET કૌભાંડની તપાસ કરી રહી છે
શિક્ષણ પરિષદે હવે નિર્ણય લીધો છે કે વર્ષ 2013થી અત્યાર સુધીની TET ભરતીના પરિણામો સાચા છે કે નહીં તે તપાસવામાં આવે. રાજ્યની તમામ જિલ્લા પરિષદો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી શાળાઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પુણે સાયબર પોલીસ હાલમાં 2018 અને 2020માં TET કૌભાંડની તપાસ કરી રહી છે.
છેલ્લા 8 વર્ષના પરિણામ ચકાસવા આદેશ
આ કૌભાંડ સામે આવતા હાલ 2013થી આ ભરતી પરીક્ષામાં કૌભાંડો થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ કારણોસર છેલ્લા આઠ વર્ષના પરિણામ અને પ્રમાણપત્રો તપાસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યના સાડા પાંચ હજાર શિક્ષકોએ તેમના પ્રમાણપત્ર મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ પરિષદને મોકલ્યા છે.આ કૌભાંડ સામે આવતાં જ ખાસ કરીને રાજ્યની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : Maharashtra : ટીપુ સુલતાન મુદ્દે રાજકારણ ગરમાયુ, પ્રકાશ આંબેડકરે BJP પર લગાવ્યો ગંભીર આરોપ