કારતકમાં શ્રાવણનો માહોલ : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, આ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવાર સાંજથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે જનજીવનને માઠી અસર પહોંચી હતી.
Maharashtra : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મુંબઈ વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદને (Heavy Rains) પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શુક્રવાર સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર સહિત મરાઠવાડા, રત્નાગિરી, સાંગલી, સતારા, નાસિક જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જનજીમન ખોરવાયુ છે.
દિવાળીના સમયે અચાનક પડેલા આ વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં નાશિક (Nashik) જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં મોડી રાત સુધીમાં 31.8 મીમી વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો. ચોમાસાના અંત બાદ શહેરમાં અત્યાર સુધીમાં રેકોર્ડ 71.3 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થયો હતો.
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે.
દિવાળીના તહેવારમાં આવેલા આ અચાનક વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની આશંકા છે. કોંકણ, સિંધુદુર્ગ, રત્નાગીરીમાં ભારે વરસાદને પગલે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જિલ્લાઓ સિવાય સાંગલી, કોલ્હાપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી.
હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યુ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દક્ષિણ કોંકણ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેમજ મરાઠવાડાના (Marathawada) કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ આપવામાં આવ્યુ છે.
દિવાળીના સમયે કમોસમી વરસાદે ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગના મુંબઈ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના ઘણા ભાગોમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે.
આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અનિલ દેશમુખની ED કસ્ટડીનો આજે અંતિમ દિવસ, શું દેશમુખને મળશે રાહત ?