Parambir Singh Salary: પરમબીર સિંહને મોટો ફટકો, મહારાષ્ટ્ર સરકારે રોક્યો પગાર, હવે ભાગેડુ જાહેર કરવાની તૈયારી
વારંવાર સમન્સ મોકલવા છતાં પરમબીર સિંહને સમન મળ્યા નથી. આ કારણથી તપાસ એજન્સીઓને લાગી રહ્યું છે કે પરમબીર સિંહ કદાચ દેશ છોડીને ભાગી ગયા છે.
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહને (Parambir Singh) મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પૂર્વ પોલીસ કમિશનરનો પગાર અટકાવી દીધો છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સરકાર હવે ભાગેડુ IPS ઓફિસરને પગાર નહીં આપે. પરમબીર સિંહ પર એન્ટિલિયા પ્રક્રરણમાં આરોપ લાગ્યા બાદ મુંબઈ બહાર રજા પર ચાલ્યા ગયા હતા અને હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી. પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં અનેક FIR નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે ગૃહ વિભાગે એન્ટિલિયા કેસમાં કથિત ક્ષતિના આરોપી પરમબીર સિંહની પણ તપાસ શરૂ કરી છે. તેમના ગુમ થયા બાદ વિભાગે તેમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હવે વિભાગે પરબીર સિંહના ગુમ થયા બાદ તેને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને આ માટે જરૂરી સૂચનો લેવામાં આવી રહ્યા છે.
અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યા, હવે તેમને ભાગેડુ જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે
અત્યાર સુધી પરમબીરને અનેક વખત પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. પરંતુ પરમબીર તરફથી તે સમન્સનો કોઈ જવાબ મળ્યો ન હતો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તેમનો પગાર રોકવાનું પગલું ભર્યું છે. તેમજ હવે માહિતી બહાર આવી રહી છે કે રાજ્ય સરકારનું આગામી પગલું પરમબીર સિંહને ભાગેડુ જાહેર કરવાનું રહેશે.
તપાસ એજન્સીઓની શંકા, પરમબીર સિંહ દેશ છોડીને ભાગી ગયા
વારંવાર સમન્સ મોકલવા છતાં પરમબીર સિંહને તે સમન મળ્યા નથી. આ કારણથી તપાસ એજન્સીઓને લાગી રહ્યું છે કે પરમબીર સિંહ કદાચ દેશ છોડીને ભાગી ગયા છે. NIA અને મહારાષ્ટ્ર રાજ્યની તપાસ એજન્સીઓએ આ શંકા વ્યક્ત કરી છે.
સ્વાસ્થ્યના કારણોસર કેટલાક મહિનાઓથી છે ગુમ
નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનાથી પરમબીર સિંહ તબિયતના કારણોસર રજા પર ગયા ત્યારથી ગુમ છે. આ સ્થિતિમાં ગૃહ વિભાગે સિંહને તેમના ચંદીગઢના નિવાસસ્થાને ઘણા પત્રો મોકલ્યા અને તેમના ઠેકાણા વિશે પૂછપરછ કરી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ગયા મહિને, ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલે કહ્યું હતું કે તેઓ IPS અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય સેવાઓ નિયમોની જોગવાઈઓ પર ધ્યાન આપી રહ્યા છે.