મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, કોર્ટ 19 નવેમ્બર સુધી દેશમુખની કસ્ટડી વધારી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. EDએ તેમને PMLA હેઠળની વિશેષ અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી વધુ 13 દિવસ માટે લંબાવી છે.
Money Laundering Case : મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. દેશમુખને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી દેશમુખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Custody) કસ્ટડીમાં હતા. 6 નવેમ્બરના રોજ તેની ED કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. જેથી EDએ તેને PMLA કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી (Custody) વધુ 13 દિવસ માટે લંબાવી છે.
વિશેષ કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવે તે પહેલાં અનિલ દેશમુખને મુંબઈની જે.જે. હોસ્પિટલમાં (J.J Hospital) મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. અનિલ દેશમુખ સંબંધિત કેસની સુનાવણી બપોરે 12.30 વાગ્યે શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખ સોમવારે EDની ઓફિસમાં હાજર થયા હતા. જેમાં 12 કલાકની પૂછપરછ બાદ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મુંબઈની વિશેષ અદાલતે તેને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો હતો.
સમન્સ મોકલવા છતા અનિલ દેશમુખનો પુત્ર હાજર ન થયો
EDએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને સમન્સ મોકલીને ગુરુવારે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો હતો. છતા પણ ઋષિકેશ ED સમક્ષ હાજર થયો નહોતો. આજે તે ધરપકડ પૂર્વ જામીન માટે સેશન્સ કોર્ટમાં (Sessions Court) પહોંચ્યો હતો. આ અંગે 12 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
અનિલ દેશમુખનો પુત્ર ઋષિકેશ દેશમુખ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં પહોંચ્યો
EDએ ગુરુવારે સવારે 11 વાગ્યે અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને ED ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. એવી આશંકા હતી કે EDK અધિકારીઓ તેની કડક પૂછપરછ કરશે. આવ સ્થિતિમાં ઋષિકેશ દેશમુખ (Rishikesh Deshmukh) ગુરુવારે ED સમક્ષ હાજર થયો ન હતો. ઉપરાંત તે આજે ધરપકડ પહેલા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, આ અંગે 12 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો ?
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને NCP પ્રમુખ શરદ પવારને પત્ર લખીને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ સચિન વાજે સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ મુંબઈના (Mumbai) બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા પડાવવા માટે કરે છે. ઉપરાંત પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો છે.
બાદમાં સચિન વાજે (Sachin Vaze) પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને મુખ્ય આરોપી તરીકે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અનિલ દેશમુખના અંગત સચિવ સંજીવ પલાંડે અને પી.એ. કુંદન શિંદેની બે મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. સચિન વાજે હાલ મહારાષ્ટ્ર પોલીસની કસ્ટડીમાં છે.