મુંબઈના ઘણા ભાગોમાં પાવર કટના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર ગંભીર, ઉર્જા મંત્રી નીતિન રાઉતે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
રવિવારે સવારે મુંબઈના અનેક વિસ્તારોમાં અચાનક પાવર કટ થવાને કારણે એક કલાક સુધી ભારે અફરા-તફરી મચી ગઈ હતી. ખાસ કરીને દક્ષિણ મુંબઈ વિસ્તારમાં સવારે 9.50 થી 10.53 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
રવિવારે સવારે મુંબઈના (Mumbai) અનેક વિસ્તારોમાં અચાનક પાવર કટ થવાને કારણે એક કલાક સુધી ભારે અફરા-તફરી મચી ગઈ હતી. ખાસ કરીને દક્ષિણ મુંબઈ વિસ્તારમાં સવારે 9.50 થી 10.53 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે મુંબઈ લોકલ ટ્રેનની સેવા પણ પ્રભાવિત થઈ હતી. હવે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે પાવર સપ્લાયમાં વિક્ષેપની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પાવર કટ બાદ નીતિન રાઉત એક્શન મોડ પર છે. વીજ પુરવઠો 70 મિનિટ સુધી ખોરવાઈ ગયો હતો. આ દરમિયાન તેઓ સતત ટાટા કંપનીના સંબંધિત અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હતા. રવિવારે સવારે લાઇટ જવાનું કારણ ટાટા ગ્રીડ ફેલિયરને જવાબદાર ગણવામાં આવ્યું હતું.
આ મુદ્દે નીતિન રાઉતે કહ્યું કે, ‘મને આ ઘટનાની માહિતી મળતાની સાથે જ હું ઊર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી દિનેશ વાઘમારે, મહા ટ્રાન્સમિશન અને રાજ્યના વીજળી પુરવઠાને લગતા કેન્દ્રોના વડાઓ સાથે સતત સંપર્કમાં રહ્યો. પાવર સપ્લાય પુન: શરૂ થાય ત્યાં સુધી તેમની પાસેથી અપડેટ્સ લીધા.
ટાટા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાનું ચાલુ રાખ્યું. અધિકારીઓને મે પોતે સામેથી આવીને રિપેરિંગ કામ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિવિધ કારણોસર ક્ષતિઓ સુધારવામાં પુરી 70 મિનિટ લાગી. આ પછી ફરી એકવાર વીજ પુરવઠો ચાલુ થઈ શકયો.
‘સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થશે, દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે’
આગળ નીતિન રાઉતે કહ્યું, ‘આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. નીતિન રાઉતે જણાવ્યું હતું કે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કામને અગ્રતા આપવાને કારણે મીડિયાને માહિતી આપવામાં થોડો વિલંબ થયો હતો.
મુંબઈના ઘણા વિસ્તારોમાં 70 મિનિટ સુધી અંધકાર છવાઈ ગયો.
રવિવારે સવારે ટાટા ગ્રીડ ફેલિયરને કારણે દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં એક કલાકથી થોડો વધારે સમય વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. જેના કારણે કોલાબાથી કુર્લા અને ચર્ચગેટથી વિરાર સુધીના ઘણા વિસ્તારોમાં લાઇટો જતી રહી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પણ સંપૂર્ણ અંધકાર હતો. ઓવરહેડ વાયરમાં વીજ પુરવઠો ન મળવાને કારણે મુંબઈમાં લોકલ ટ્રેનોની અવરજવર પણ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી.
પશ્ચિમ રેલ્વેએ ટ્વીટ કરીને આ માહિતી આપી. જો કે, રવિવાર હોવાથી અને હાર્બર લાઇન પર મેગા બ્લોક પહેલેથી જ જાહેર કરવામાં આવ્યો હોવાથી, ટ્રેનમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો ઘરે જ હતા. લગભગ સિત્તેર મિનિટ બાદ ફરી વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ખતમ થયો, પરંતુ માસ્ક જરૂરી : આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું નિવેદન