Maharashtra: મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે સંભાજી ભીડે વિરૂદ્ધ કેસ દાખલ, પૂર્વ મુખ્યમંત્રીએ ધરપકડની કરી માંગ
વિદર્ભની મુલાકાતે આવેલા ભીડેએ અમરાવતીના બડનેરા રોડ વિસ્તારમાં આવેલા ભારત મંગલ હોલમાં એક સભાને સંબોધિત કરી હતી. આ પહેલા કોંગ્રેસના પ્રદેશ સચિવ નંદકિશોર કુયતેએ રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ભીડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
Maharashtra: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પોલીસે શનિવારે દક્ષિણપંથી કાર્યકર્તા સંભાજી ભીડે (Sambhaji Bhide) વિરુદ્ધ મહાત્મા ગાંધી વિશેની કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને કેસ નોંધ્યો છે. રાજાપેઠ પોલીસે ભીડે વિરુદ્ધ IPC કલમ 153A (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી અને સંવાદિતાને હાનિકારક કૃત્યો કરવા) હેઠળ કેસ નોંધ્યો છે. કોંગ્રેસે શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન સંગઠનના સંસ્થાપક ભીડે પર ગુરુવારે અમરાવતી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં રાષ્ટ્રપિતા વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.
વિદર્ભની મુલાકાતે આવેલા ભીડેએ અમરાવતીના બડનેરા રોડ વિસ્તારમાં આવેલા ભારત મંગલ હોલમાં એક સભાને સંબોધિત કરી હતી. આ પહેલા કોંગ્રેસના પ્રદેશ સચિવ નંદકિશોર કુયતેએ રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ભીડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની સામે કેસ નોંધવાની માંગ કરી હતી. શુક્રવારે મહારાષ્ટ્ર કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ના નેતા બાલાસાહેબ થોરાટે ભીડેના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
તેમણે કહ્યું “સંભાજી ભીડે વિકૃત માનસિકતા ધરાવે છે. રાષ્ટ્રપિતા વિશેની તેમની ટિપ્પણીઓએ દેશને પરેશાન કરી દીધો છે. તેઓ વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે અને રાજકીય હિત માટે તેમને કોણ સમર્થન આપી રહ્યું છે તે શોધવાની જરૂર છે. “અમે કડક કાર્યવાહી ઈચ્છીએ છીએ. કોઈનું નામ લીધા વિના, તેમણે દાવો કર્યો કે એક મશીનરી પ્રગતિશીલ વિચારધારાને નષ્ટ કરવા માટે કામ કરી રહી છે.
થોરાટના સહયોગી અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ભીડેની ધરપકડની માંગ કરી હતી. ચવ્હાણે વિધાનસભાને કહ્યું કે “જો આવી વ્યક્તિ મહાત્મા ગાંધી વિશે બદનક્ષીભર્યા નિવેદનો કરે છે, તો તેને રાજ્યમાં (મુક્તપણે) ફરવાનો કોઈ અધિકાર નથી,”ભૂતકાળમાં પણ ભીડે તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો