મહારાષ્ટ્રના પિંપરીમાં બીજેપી-એનસીપીના કાર્યકરો વચ્ચે ઘમાસાણ, દેવેન્દ્ર ફડણવીસની કાર પર ફેંકવામાં આવ્યુ ચપ્પલ
રવિવારે ફડણવીસ પિંપરી ચિંચવડની મુલાકાતે હતા. આ દરમિયાન ભાજપ અને એનસીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ દેવેન્દ્ર ફડણવીસની કાર તરફ ચપ્પલ ફેંક્યું હતું.
રવિવારે પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડ (Pimpri-Chinchwad) વિસ્તારમાં બીજેપી-એનસીપીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપના કાર્યકરો દ્વારા ‘મોદી-મોદી’ના નારા લગાવવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ NCPના કાર્યકરો ‘મોદી ચોર હૈ’ના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસની કાર પર અજાણ્યા વ્યક્તિ દ્વારા ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. રવિવારે ફડણવીસ પિંપરી ચિંચવડની મુલાકાતે હતા. આ દરમિયાન ભાજપ અને એનસીપીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી અને તેઓ એકબીજા સાથે અથડાયા હતા. આ અશાંતિને ડામવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં એનસીપીના એક કોર્પોરેટરને ઈજા થઈ હતી.
ફડણવીસ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવા પિંપરી-ચિંચવડ આવ્યા હતા. આ સમયે ભાજપ અને એનસીપીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. એનસીપી કાર્યકર્તાઓએ ફડણવીસનો વિરોધ કરવા સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ દેવેન્દ્ર ફડણવીસની કાર તરફ ચપ્પલ ફેંક્યું હતું. તે વ્યક્તિ કોણ હતો, તેના દ્વારા ચપ્પલ ફેંકવાનું કારણ શું હતું, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ફડણવીસે આપી પ્રતિક્રિયા, ચપ્પલ ફેંકનારને ‘ચિલ્લર’ કહીને સંબોધ્યા
આ ઘટના ત્યારે બની જ્યારે ફડણવીસ અટલ બિહારી વાજપેયી ગાર્ડનમાં પ્રવેશી રહ્યા હતા. જ્યારે દેવેન્દ્ર ફડણવીસને આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમણે કહ્યું કે આ લોકો કોણ હતા, મને ખબર નથી. પાલતુ ચિલ્લર લોકો હશે. આ શબ્દોમાં ફડણવીસે ચપ્પલ ફેંકનાર સામે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું, તેમની બુદ્ધિ પર દયા આવે છે
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, જો કોઈ કાળો-પીળો-વાદળી ઝંડો બતાવે છે તો તેને બતાવવા દો. જનતા જોઈ રહી છે. તેઓ માત્ર પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવું કરી રહ્યા છે. કોઈ સારું કામ કરીને નામ કમાઈ શકે છે. પરંતુ તેમને બીજાની સામે પ્રદર્શન કરવું છે. ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે. કોંગ્રેસ અને એનસીપીએ અન્નાસાહેબ પાટીલ અને અટલ બિહારી વાજપેયીના નામવાળા બગીચાની સામે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. મને તેમની બુદ્ધિ ઉપર દયા આવે છે. આ દુર્ભાગ્યપુર્ણ છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, જાતે તો કંઈ કરવું નથી. તેમના શાસનકાળ દરમિયાન કંઈ થયું નથી. અમારા મેયર, કોર્પોરેટર, પદાધિકારીઓએ સારું કામ કર્યું. જેના કારણે તેના મનમાં આ અંગે નિરાશા છે. મને દુખ થાય છે કે મરાઠા આરક્ષણ માટે જીવ આપનાર અન્નાસાહેબ પાટીલની પ્રતિમાના ઉદ્ઘાટનના કામનો વિરોધ થઈ રહ્યો છે અને અટલજીનો વિરોધ કરવાનું કામ થઈ રહ્યું છે, બુદ્ધિમત્તાનું પરીક્ષણ કરવાની જરૂર છે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પામ ઓઈલના ભાવ આસમાને પહોચ્યા, જથ્થાબંધ ભાવમાં રેકોર્ડ 400 ડોલર પ્રતિ ટનનો વધારો થયો