MUMBAI : ઉદ્ધવ ઠાકરે સરકાર પર દેવેન્દ્ર ફડણવીસના આકરા પ્રહાર, કહ્યું “મહારાષ્ટ્રમાં હીંસા ઇરાદાપૂર્વકનો પ્રયોગ”
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના વિરોધમાં ત્રિપુરામાં શાંતિપૂર્ણ વિરોધ થયો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર મસ્જિદ સળગાવવાની વાત ફેલાવવામાં આવી હતી અને કહેવાયુ હતું કે 16 મસ્જિદો સળગાવી દેવામાં આવી છે.
MUMBAI : મહારષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર (Maha Vikas Aghadi) પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) કોઈ મુખ્ય પ્રધાન માનતું નથી, બધા મંત્રીઓ પોતાને મુખ્યપ્રધાન માની રહ્યા છે. મહારાષ્ટ્ર હંમેશા આગળ રહ્યું છે. પરંતુ આજે સ્થિતિ એવી ખરાબ છે કે સરકાર ક્યાં છે કોઇને ખબર નથી. અમારા સમયમાં સમૃદ્ધિ હાઈવે, રસ્તા, સિંચાઈ, વિકાસ, આ બાબતોની ચર્ચા થતી હતી. આજે રાજ્યમાં હર્બલ તમાકુ, ડ્રગ્સ, છેડતી અને બળાત્કારની ચર્ચાઓ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર ભાજપની કાર્યકારિણીની બેઠક (Maharashtra BJP executive meeting) શરૂ થઈ ગઈ છે. મંગળવારે યોજાયેલી આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ સહિત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ભાજપના અન્ય નેતાઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મહા વિકાસ અઘાડી સરકાર અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર છે. ભ્રષ્ટાચારને લઈને તેમના ગમે તેટલા કપડા ઉતારો પણ તેમને શરમ આવતી નથી. ગુનેગારો પાસેથી ખુલ્લેઆમ જમીનો ખરીદવામાં આવી રહી છે. રસ્તા પર આવીને તેમની સામે લડવાનો સમય આવી ગયો છે, તેઓ હવે અમને કોરોનાનું નામ લઈને રોકી શકશે નહીં.
‘અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં હિંસા એ જાણી જોઈને થયેલો પ્રયોગ હતો’ ભાજપની કાર્યકારિણીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં જે હિંસા થઈ તે માત્ર હિંસક ઘટના નથી, પરંતુ એક જાણી જોઈને કરવામાં આવેલ પ્રયોગ છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના વિરોધમાં ત્રિપુરામાં શાંતિપૂર્ણ વિરોધ થયો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર મસ્જિદ સળગાવવાની વાત ફેલાવવામાં આવી હતી અને કહેવાયુ હતું કે 16 મસ્જિદો સળગાવી દેવામાં આવી છે. સરકારના કાવતરાને છુપાવવા માટે નવાબ મલિકને આગળ કરીને કવર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.”
‘હિન્દુઓની દુકાનો પસંદગીપૂર્વક સળગાવી દેવામાં આવી’ વધુ વિગતો આપતાં તેમણે કહ્યું, “દિલ્હીના શરણાર્થી શિબિરમાં આગ લાગી હતી. તેમાં પુસ્તકો સળગાવી દેવામાં આવ્યા હતા અને કુરાન સળગાવવામાં આવી હોવાની વાત ફેલાઈ હતી. રાહુલ ગાંધી બધું જાણતા હોવા છતાં, 8 નવેમ્બરે, તેમણે ટ્વિટ કર્યું કે ત્રિપુરામાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. આ પછી 12 નવેમ્બરે મહારાષ્ટ્રમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચાઓ સરકારની મદદથી કાઢવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો પ્રયોગ છે. આ મોરચાઓમાં ભીષણ હિંસા થઈ હતી. હિંદુઓની દુકાનો પસંદગીપૂર્વક સળગાવી દેવામાં આવી.”
‘મોદીજીના વિકાસનો જવાબ નથી, તેથી લઘુમતીનું ધ્રુવીકરણ કરી રહ્યા છે’ દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, “આઝાદ મેદાનમાં જ્યારે આવી ઘટના બની ત્યારે પણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અત્યારે પણ આ હિંસામાં SRPFના 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આટલુ થયા પછી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. તેમની પાસે મોદીજીના વિકાસનો જવાબ નથી માટે લઘુમતીના ધ્રુવીકરણનું કામ થઈ રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આવા પ્રયોગો થઈ રહ્યા છે. આ પહેલા પણ અર્બન નક્સલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
‘શિવસેનામાં લાગી છે અઝાનની રેસ’ દેવેન્દ્ર ફડણવીસે ખાસ કરીને શિવસેનાને અલગથી ઘેરી હતી. તેમનું હિન્દુત્વ પોકળ ગણાવ્યું હતું. શિવસેનાના નેતાઓની ટીકા કરતાં તેમણે કહ્યું કે, અમારા જૂના મિત્રો હતા જે હિન્દુત્વની વાતો કરતા હતા, તેઓ પોતાને સૌથી મોટા હિન્દુત્વવાદી ગણાવતા હતા, હવે તેઓ અઝાન માટે સ્પર્ધા કરી રહ્યા છે, બાળાસાહેબ ઠાકરેને જનાબ બાળાસાહેબ ઠાકરે કહીને કેલેન્ડર પ્રકાશિત કરી રહ્યા છે. શિવસેના આ હદે આવી ગઈ છે.