શિવસૈનિકોની ફરિયાદ પર રાણા દંપતીની ધરપકડ, નારાયણ રાણેએ ઠાકરે સરકાર પર ઉઠાવ્યા સવાલ
મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં (Mumbai Khar Police Station) રાણા દંપતી વિરુદ્ધ કેસ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ભડકાઉ ભાષણ કરવા બદલ IPCની કલમ 153-A હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.
અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર જવાનો અને હનુમાન ચાલીસાના પાઠ કરવાનો આગ્રહ છોડી દીધા પછી પણ શિવસેના રાણા દંપતીને છોડવા તૈયાર નથી. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં (Mumbai Khar Police Station) રાણા દંપતી વિરુદ્ધ કેસ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ રાણા દંપતીને પકડીને ખાર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આઈપીસીની કલમ 153-એ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. રાણા દંપતીની ભડકાઉ ભાષણ આપવા અને સમાજમાં તંગદિલી ઉભી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
શિવસેનાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો અને ત્યારબાદ ખાર પોલીસ સ્ટેશનમાં તેમની ધરપકડ કરવામાં આવી. શિવસેના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે રાણા દંપતીએ માતોશ્રીની માફી માંગવી જોઈએ. ભડકાઉ ભાષણ આપવાના મુદ્દે પોલીસ તેમને સાથે લઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (ભાજપ)એ આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. અહીં કોઈ સરકાર હોય એવું લાગતું નથી. રાજ્યભરમાં અરાજકતા ફેલાઈ ગઈ છે.
રાણા દંપતી વોરંટ દર્શાવ્યા વિના પોલીસ સ્ટેશન જવા તૈયાર નહોતા. થોડી દલીલબાજી બાદ પોલીસે તેમને મુંબઈના ખાર ખાતેના તેમના ઘરેથી ઝડપી લીધા હતા અને તેમની સાથે લઈ ગયા હતા. સાંસદ નવનીત રાણાએ કહ્યું કે શિવસૈનિકો બેરિકેડ તોડીને તેમના ઘરમાં ઘૂસ્યા, તેમને કંઈ કહેવામાં આવ્યું ન હતું અને તેઓ ઘરની બહાર પણ ન આવી શક્યા, તેમ છતાં પોલીસ તેમને બળજબરીથી ખાર પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે.
રાણા દંપતીએ સીએમ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવી
આ દરમિયાન, રાણા દંપતીએ સીએમ ઉદ્ધવ ઠાકરે, સાંસદ સંજય રાઉત અને મંત્રી અનિલ પરબ અને તેમના ઘરની બહાર એકઠા થયેલા શિવસેનાના 500 થી 600 કાર્યકરો સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. રાણા દંપતીનો આરોપ છે કે તેમના ઘરની બહાર શિવસૈનિકોએ ગેરવર્તન કર્યું હતું. તેઓ બેરિકેડ તોડી તેમની બિલ્ડીંગમાં પ્રવેશ્યા હતા.
આજે રાત ખાર પોલીસ સ્ટેશનમાં વીતાવવી પડશે, આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
રાણા દંપતીની રાત પોલીસ સ્ટેશનમાં જ વીતશે. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં વકીલ અનિકેત નિકમે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે કલમ 153-A હેઠળ ત્યારે ધરપકડ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ અહીં રાણા દંપતી તેમના સમાજ અને તેમના ધર્મ વિશે વાત કરતા હતા. તેઓ માતોશ્રી જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઉશ્કેરણીજનક ભાષણ કે બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવો તે અહીં સાબિત થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે.
આ પણ વાંચો : રાણા દંપતિએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાનની બહાર હનુમાન ચાલિસાની હઠ છોડી, રવિ રાણાએ આપી આ સ્પષ્ટતા