મહારાષ્ટ્રઃ સીએમના સાળાની કંપનીમાં 30 કરોડનું મની લોન્ડરિંગ, ઉદ્ધવ ઠાકરેનો કંપની સાથે શું સંબંધ? ભાજપના નેતા કિરીટ સોમૈયાનો સવાલ
કિરીટ સોમૈયાએ પૂછ્યું કે ઉદ્ધવ ઠાકરે જણાવે કે હવાલા કિંગ નંદકિશોર ચતુર્વેદી ક્યાં છુપાયેલા છે? સમગ્ર ઠાકરે પરિવાર સાથે નંદકિશોરના ઘણા વ્યવહારો સામે આવ્યા છે. ઠાકરે પરિવારે વર્ષોથી કરોડોના વ્યવહારો કર્યા છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દાદરના શિવાજી પાર્કની સામે જ શ્રીજી હોમ્સ નામની કંપનીનું બિલ્ડિંગ છે. આ કંપની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) સાળા શ્રીધર પાટણકરની (Shridhar Patankar) કંપની છે. જેમાં 29 કરોડ 62 લાખથી વધુના કાળા નાણાનું રોકાણ કરવામાં આવ્યું છે. શું આ નાણા કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલાતના પૈસા છે ? આ કંપની સાથે ઉદ્ધવ ઠાકરેનો શું સંબંધ છે ? આ સવાલ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આજે મુંબઈમાં બીજેપી કાર્યાલય ખાતે યોજાયેલી તેમની પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યો હતો. કિરીટ સોમૈયાએ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે આ કંપનીમાં ઉદ્ધવ ઠાકરે પરિવાર દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે.
આ સિવાય કિરીટ સોમૈયાએ પૂછ્યું કે ઉદ્ધવ ઠાકરે જણાવે કે હવાલા કિંગ નંદકિશોર ચતુર્વેદી ક્યાં છુપાયેલા છે? સમગ્ર ઠાકરે પરિવાર સાથે નંદકિશોરના ઘણા વ્યવહારો સામે આવ્યા છે. ઠાકરે પરિવારે વર્ષોથી કરોડોના વ્યવહારો કર્યા છે. ચતુર્વેદીના આદિત્ય ઠાકરે, તેજસ ઠાકરે અને પાટણકર સાથે ઘણા નાણાકીય વ્યવહાર હતા.
આ હવાલા માસ્ટર માઈન્ડને અત્યાર સુધી ફરાર કેમ જાહેર કરવામાં આવ્યો નથી? નંદકિશોર ચતુર્વેદી અને આદિત્ય ઠાકરે વચ્ચે 3 કંપનીઓને લઈને કરોડોની આર્થિક ડીલ થઈ છે. આવી સ્થિતિમાં જ્યાં તપાસ એજન્સી નંદકિશોર ચતુર્વેદીને શોધી રહી છે અને તે મળી રહ્યા નથી તો બીજી તરફ મહા વિકાસ આઘાડી સરકાર પણ તેમના વિશે કંઈ કહી રહી નથી.