મહારાષ્ટ્ર : નગર પંચાયત ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, NCP 344 બેઠકો જીતીને બીજા ક્રમે
રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ બુધવારે સાંજે પરિણામો જાહેર કર્યા. જેમાં ભાજપને 384 અને NCPને 344 બેઠકો મળી છે.
મહારાષ્ટ્ર : નગર પંચાયત ચૂંટણીના (Maharashtra Nagar Panchayat Election) પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 1,649માંથી 384 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. આ પહેલા બુધવારે, રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) દાવો કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યમાં સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવી છે. અને 24 નગર પંચાયતોનું નેતૃત્વ કરી શકે છે. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ બુધવારે સાંજે પરિણામો જાહેર કર્યા. જેમાં ભાજપને 384 અને NCPને 344 બેઠકો મળી છે. એસઈસીના ડેટા અનુસાર કોંગ્રેસે 316 સીટો જીતી છે. જ્યારે શિવસેનાને માત્ર 284 સીટો મળી છે. તાજેતરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં 206 અપક્ષ ઉમેદવારો વિજય બન્યા છે.
આવતીકાલે 9 નગર પંચાયતોની થશે મતગણતરી
એસઈસીએ કહ્યું કે ગઢચિરોલી જિલ્લાની નવ નગર પંચાયતોમાં મતોની ગણતરી ગુરુવારે થશે. આજે અગાઉ, પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, “રાજ્યમાં 106 નગર પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે અત્યાર સુધીમાં 400 થી વધુ બેઠકો જીતી છે. અમે 24 નાગરિક સંસ્થાઓનું નેતૃત્વ કરવાની મજબૂત સ્થિતિમાં છીએ. અને છ અન્યનો દાવો કરવા માટે અમને થોડા કાઉન્સિલરોના સમર્થનની જરૂર પડશે.
પાટીલે કહ્યું કે લગભગ 26 મહિનાથી સત્તાની બહાર હોવા છતાં ભાજપે જંગી જીત મેળવી છે. તેમણે કહ્યું કે, “આ બતાવે છે કે પક્ષના કાર્યકરો અને સ્થાનિક નેતાઓનું અમારું નેટવર્ક કોઈપણ સરકારી સમર્થન કે સંસાધનો વિના સારા પરિણામો આપી શકે છે. શિવસેનાને મુખ્યમંત્રી પદ મળ્યું છે પરંતુ તે આ ચૂંટણીમાં ત્રીજા કે ચોથા સ્થાન માટે સંઘર્ષ કરી રહી છે.”
93 નગર પંચાયતની 336 બેઠકો પર થયું હતું મતદાન
રાજ્ય ચૂંટણી પંચે 106 નગર પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. પરંતુ 11 નગર પંચાયત સીટો પર 21 ડિસેમ્બરે મતદાન થયું હતું કારણ કે એક પણ OBC ઉમેદવાર નહતો. બાકીની 95 નગર પંચાયતોની 344 બિન અનામત બેઠકો માટે 18 જાન્યુઆરીએ મતદાન થવાનું હતું. તેમાંથી શિરડીમાં ચાર અને કાલવણની બે બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યાં ચૂંટણીની જરૂર નહોતી પડી. માલશિરસ અને દેવલામાં પણ એક-એક બેઠક બિનહરીફ થઈ હતી. બુધવારે 93 નગર પંચાયતોની 336 બેઠકો પર મતદાન થયું હતું.