ફરી કોરોનાની રફ્તાર વધી ! દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સાબદુ થયુ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,834 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ સાથે રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 81,39,737 થઈ ગયા છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વચ્ચે કોરોના વાયરસે ફરી એકવાર પોતાની રફ્તાર વધારી છે. રવિવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં 72 અને મહારાષ્ટ્રમાં 236 નવા કેસ નોંધાયા છે. દિલ્હી હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ દર વધીને 3.95 ટકા થઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,બંને રાજ્યોમાં સરકારોની સાથે લોકોએ પણ સતર્ક રહેવું પડશે. આપને જણાવી દઈએ કે,દિલ્હીમાં 1824 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં 72 કેસ પોઝિટિવ મળી આવ્યા. જો કે રાહતની વાત એ છે કે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું નથી. મહારાષ્ટ્રમાં 3,834 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 92 દર્દીઓ સાજા થયા છે.
દિલ્હીમાં કુલ 209 સક્રિય કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1824 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાના 72 નવા કેસ આવ્યા અને કોરોના સંક્રમણનો દર વધીને 3.95 ટકા થઈ ગયો છે. તો 53 દર્દીઓ સાજા થયા હતા, જો કે કોરોનાને કારણે કોઈ દર્દીનું મોત થયુ નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા દિવસે એટલે કે 18 માર્ચે કોરોનાના 58 નવા કેસ સામે આવ્યા અને કોરોના સંક્રમણ દર વધીને 3.52 ટકા થઈ ગયો. હવે દિલ્હીમાં હાલમાં કોરોનાના કુલ 209 સક્રિય કેસ છે, જેમાંથી 130 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને 7 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
મહારાષ્ટ્રમાં 1,308 સક્રિય કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,834 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાના 236 નવા કેસ સામે આવ્યા છે. તો સાથે જ 92 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં હવે કુલ 1,308 સક્રિય કેસ છે જેમાં મૃત્યુ દર અને રિકવરી રેટ અનુક્રમે 1.82 ટકા અને 98.16 ટકા છે.
જો વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસ 81,39,737 નોંધાયા છે. તો અત્યાર સુધીમાં 8,65,46,719 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાથે કોરોનાને કારણે 1,48,428 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને 79,90,001 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ગયા છે.