સફરજન કાપ્યા પછી પીળું કેમ થઈ જાય છે? પીળું પડતું સફરજન શું ખાવા લાયક છે કે નહીં?
તમે ઘણીવાર જોયું હશે કે, આખું સફરજન લાલ કે લીલું હોય છે પરંતુ એકવાર તેને કાપ્યા પછી જે કાપેલો ભાગ હોય છે, તે પીળો કે ભૂરો થવા લાગે છે. એવામાં ઘણા લોકો માને છે કે, આ સફરજન ખરાબ થવાના સંકેત છે પરંતુ આની પાછળની સાચી વાસ્તવિકતા શું છે? તે મોટાભાગના લોકો જાણતા નથી.

તમે ઘણીવાર જોયું હશે કે, આખું સફરજન લાલ કે લીલું હોય છે પરંતુ એકવાર તેને કાપ્યા પછી જે કાપેલો ભાગ હોય છે, તે પીળો કે ભૂરો થવા લાગે છે. ઘણા લોકો માને છે કે, આ સફરજન ખરાબ થવાના સંકેત છે પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે.
કેમ સફરજનમાં પીળાશ જોવા મળે છે?
સફરજનમાં પોલીફેનોલ ઓક્સિડેઝ (PPO) નામનું એન્ઝાઇમ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સફરજન અકબંધ રહે છે, ત્યાં સુધી આ એન્ઝાઇમ હવાના સંપર્કમાં આવતું નથી. જો કે, એકવાર સફરજન કાપ્યા પછી, તેના કોષો તૂટી જાય છે અને આ એન્ઝાઇમ ઓક્સિજનના સંપર્કમાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે એન્ઝાઇમ અને ઓક્સિજન ભેગા થાય છે, ત્યારે એન્ઝાઇમેટિક બ્રાઉનિંગ નામની રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન, સફરજનમાં રહેલા પ્રાકૃતિક રસાયણો ઓક્સિજન સાથે જોડાઈને ભૂરા રંગના સંયોજનો બનાવે છે. આ જ કારણ છે કે, કાપેલું સફરજન પીળા રંગનું દેખાય છે. આ જ પ્રક્રિયા કેળા, નાસપતી અને બટાકામાં પણ જોવા મળે છે.
સફરજનના પીળા રંગમાં ફેરફાર થવો એ માત્ર દેખાવ માટે છે. પોષણ લગભગ સમાન રહે છે. જો કે, સ્વાદમાં થોડો તફાવત હોઈ શકે છે. આથી ફક્ત રંગ બદલાઈ ગયો છે એ કારણે સફરજન ફેંકવું ન જોઈએ.
સફરજનને પીળા થતા કેવી રીતે અટકાવવું?
- સફરજન કાપતાની સાથે જ તેના પર લીંબુનો રસ લગાવો.
- હવે તેને હળવા મીઠાવાળા પાણીમાં ડુબાડો.
- ત્યારબાદ તેને પાણીમાં પલાળી રાખવાથી ઓક્સિજનનો સંપર્ક પણ ઓછો થાય છે.
- સફરજન પર થોડું મધ લગાવવાથી પણ તેનો રંગ બદલાવાની પ્રક્રિયા ધીમી પડે છે.
- વધુમાં, કાપેલા સફરજનને રેફ્રિજરેટરમાં એરટાઈટ ડબ્બામાં રાખવાથી આ પ્રક્રિયા ઘણી ધીમી પડે છે.
સફરજન પીળા પડવાનું સાચું કારણ એન્ઝાઇમ અને ઓક્સિજનની ક્રિયા-પ્રતિક્રિયા છે. જો કે, રંગ બદલાવા છતાં સફરજનમાં રહેલા પોષક તત્વો શરીર માટે ફાયદાકારક રહે છે, તેથી તેને તમારા દૈનિક આહારમાં ચોક્કસથી ઉમેરો.
