ગુજરાતી ફૂડના સ્વાદે વિદેશીઓને પણ ચોંકાવ્યા, “ગરવી ગુજરાતી થાળી” તેમજ “વર્લ્ડ પીસ” મોકટેઇલને મલેશિયામાં મળ્યો ગોલ્ડ મેડલ
વર્લ્ડ ક્લીનરી કપમાં ભારતને 4 ગોલ્ડ, 8 સિલ્વર, 14 બ્રોન્ઝ સાથે કુલ 26 મેડલ મેળવ્યા.

મલેશિયામાં ગ્લોબલ વર્લ્ડ શેફ દ્વારા આયોજિત વર્લ્ડ કલિનરી કપમાં ભારતીય ટીમે ભારતીય વ્યંજનોનાં અનોખા પ્રદર્શન દ્વારા વિશ્વ મંચ પર ગૌરવ મેળવ્યું છે. ભારતીય ટીમે “ઇન્ડિયન કૂઝિન” કેટેગરી હેઠળ ગુજરાતી થાળી તૈયાર કરી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગુજરાતી થાળી “ટીમ ઓફ થ્રી” દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે માત્ર દોઢ કલાકમાં પંદર વિવિધ પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને પ્રસ્તુત કરી હતી. આ વાનગીઓમાં વરિયાળી શરબત, પાત્રા, બેક્ડ હાંડવો, મગનું શાક, જીરા બટેટા, પુરી, ફાડા ખીચડો, દહીં તિખારી, ખજૂર-અંજીર પુરણપોળી, ટોપરાના લાડુ, પીનટ સેલડ, કાંદાનો લચ્છો, કેરીનું અથાણું અને અંતે પાનનો સમાવેશ થતો હતો.
વિશ્વમાં શાંતિના સંદેશ સાથે હિમાચલ પ્રકાશકુમાર મહેતાએ તૈયાર કરેલા “વર્લ્ડ પીસ” મોકટેઇલને પણ ગોલ્ડ મેડલ એનાયત થયો હતો. ભારતીય તિરંગાના ત્રણ રંગોની પ્રેરણાથી તેમણે 15 મિનિટમાં પાનના ક્રશ, દૂધ, એડીબલ કપૂર અને કેસરનું પાણી મેળવી અનોખી રીતે સ્મોકિંગ ઈફેક્ટ સાથે આ મોકટેઇલ તૈયાર કરી હતી. આ મોકટેઇલ વિશ્વ શાંતિનો સંદેશ આપતી અનોખી રજૂઆત બની હતી.
આ સ્પર્ધામાં વિશ્વના 28 દેશોના 1700થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. ગ્લોબલ શેફ એસોસિએશનના પ્રમુખ શેફ આર્થર લિમે ભારતીય રસોઈની કલાને પ્રશંસા પાઠવી હતી અને દરેક સ્પર્ધકોને શુભકામનાઓ આપી હતી. ભારતને મળેલ કુલ મેડલમાં ગોલ્ડ 4, સિલ્વર 8, બ્રોન્ઝ 14 નો સમાવેશ થાય છે.
ભારતની ટિમને મળેલ મેડલ્સ:
-
ગોલ્ડ: ઇન્ડિયન કૂઝિન – ગુજરાતી થાળી
-
સિલ્વર: ઇન્ડિયન કૂઝિન – પંજાબી થાળી
-
સિલ્વર: મોર્ડન એશિયન કૂઝિન
-
બ્રોન્ઝ: મોર્ડન એશિયન કૂઝિન
ભારતીય રસોઈ હવે વૈશ્વિક માન્યતા ધરાવે છે
આ તકે સ્પષ્ટ થાય છે કે ભારતીય રસોઈ અને કલિનરી આર્ટનું વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધતી જઈ રહી છે. હિમાચલ મહેતા અને તેમની ટીમે માત્ર સ્વાદથી જ નહીં પણ આધુનિક પ્રેઝન્ટેશન, હાઇજિન, સમયની મર્યાદા અને ટેક્નિક્સ જેવા વિવિધ પાસાઓમાં શ્રેષ્ઠતા દેખાડી છે.
