તાપી : સિંગલ યુઝ પ્લાસ્ટીક ફ્રી ઝોન, પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટ માટે નિર્ણય
હરિયાળી જંગલની વચ્ચે અંબિકા નદી કિનારે આવેલ પદમડુંગરી ઈકો ટુરિઝમને વનવિભાગ દ્વારા સિંગલ યુજ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા નુસખો અપનાવાયો છે, ત્યારે ટુરિઝમની મુલાકાતે આવતાં પ્રવાસીઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
તાપી જિલ્લાના ડોલવણના પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેનાં ભાગરૂપે સિંગલ યુજ પ્લાસ્ટિક સાથે પ્રવાસીઓને ઈકો ટુરિઝમની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ પ્રવાસીઓને કાચની બોટલમાં પાણી આપવાનો પ્રયોગ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે.
રાજ્યભરમાં સરકાર દ્વારા ખાસ કરીને જંગલ વિસ્તારોમાં અનેક સ્થળોએ ઈકો ટુરીઝમ સાઈટો વિકસાવવામાં આવી છે. આ ઈકો ટુરીઝમ સાઈટો વારે તહેવારે તેમજ રજાના દિવસોમાં પ્રવાસીઓથી ઉભરાય જતાં હોય છે. પ્રવાસીઓ માટે પ્રકૃતિને માણવા અને જાણવા માટે ઈકો ટુરિઝમની વિકસાવવામાં આવ્યા છે જોકે મોટાભાગના ઈકો ટુરીઝમ જાણે પ્રવાસીઓ માટે પિકનિકના સ્થળ બની ગયા છે, પ્રકૃતિને જાણવા કે માણવાનું છોડી પ્રવાસીઓ ઈકો ટુરીઝમ પર જઈ ખાણી પાણીમાં જ મસ્ત રહેતા હોય છે અને ઈકો ટુરીઝમ સાઈટો પર અનેક જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો કરીને જતાં રહે છે માટે ગુજરાતનું તાપી જિલ્લામાં આવેલ ડોલવણના પદમડુંગરી ઈકો ટુરિઝમને પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા વન વિભાગ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
મહત્વની વાત તો એ છે કે ગુજરાતનાં સોથી મોટા પદમડુંગરી ઈકો ટુરિઝમમાં આવતાં પ્રવાસીઓ કાચની બોટલમાં પાણી આપવાનાં નુસખામાં ગામની જ સખી મંડળની બહેનોની મુખ્ય ભૂમિકા રહેલી છે. પદમડુંગરી ગામની જ 11 જેટલી બહેનો અંબિકા નદીમાંથી પાણીને પ્યૂરીફાય કરીને કાચની બોટલોમાં પેક કરીને પદમડુંગરી ઈકો ટુરિઝમમાં આવતાં પ્રવાસીઓ માટે વેચાણ અર્થે મૂકી રહી છે.અંબિકા નદીનાં તટ પર હરિયાળા જંગલમાં છેલ્લાં પંદરેક વર્ષથી વિકસાવવામાં આવેલા આ ઈકો ટુરિઝમની મુલાકાતે સુરત ,વડોદરા,નવસારી,તાપી જિલ્લા માંથી પ્રવાસીઓ આવતાં હોય છે, ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં તેમજ વારે તહેવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતાં હોય છે અને પોતાની સાથે લાવેલ પ્લાસ્ટિક સહિતનો કચરો અહીં જ છોડીને જતાં હોય છે, જોકે હવે તંત્ર દ્વારા આ ઈકો ટુરિઝમને વનવિભાગ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા પહેલ ઉપાડી છે, ત્યારે જંગલનાં પર્યાવરણને પ્લાસ્ટિકના કચરાથી દૂષિત થતાં બચાવવા પ્રવાસીઓએ પણ ખ્યાલ રાખવો ખૂબ જ અનિવાર્ય છે.
હરિયાળી જંગલની વચ્ચે અંબિકા નદી કિનારે આવેલ પદમડુંગરી ઈકો ટુરિઝમને વનવિભાગ દ્વારા સિંગલ યુજ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા નુસખો અપનાવાયો છે, ત્યારે ટુરિઝમની મુલાકાતે આવતાં પ્રવાસીઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં આવતાં પ્રવાસીઓને અંદર પ્રવેશતાં પહેલાં પ્રવાસીઓની બેગ કડકાઈથી ચેક કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનાં સિંગલ યુજ પ્લાસ્ટિક પ્રવાસીઓને સાથે લઈ જવા દેવામાં આવતાં નથી..જેનો પ્રવાસીઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.