Surat : કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવા ખેડૂત સમાજ દ્વારા આવેદન
કેન્દ્ર સરકાર પોતાના ખેડૂત વિરોધી એજેન્ડા પર પાછલા બારણેથી આગળ વધી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર સમજુતીને કારણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
કેન્દ્ર સરકાર(Government ) દ્વારા વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવાની સાથે જ ખેડૂતો(Farmers ) દ્વારા આંદોલન રદ્દ કરવાનો નિર્ણય(Decision ) લેવામાં આવ્યો હતો. જો કે, બીજી તરફ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજુઆતો પર હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા મગનું નામ મરી પાડવામાં ન આવતાં આજે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવીને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો વહેલી તકે પૂર્ણ કરવા સંદર્ભે પણ રજુઆત કરવામાં આવી છે.
ખેડૂત સમાજ ગુજરાતના અગ્રણીઓ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખેડૂત આંદોલન દરમ્યાન ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ કેસ તાત્કાલિક અસરથી પરત લેવામાં આવશે. જો કે આજ દિન સુધી આ મુદ્દે કોઈ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી.
માત્ર હરિયાણા સરકાર દ્વારા કેટલાક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. આ સિવાય મોટા ભાગના રાજ્યો – કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પોલીસ કેસો પરત લેવામાં આવ્યા નથી. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્ય સરકારોને કોઈ રજુઆત સુદ્ધાં કરવામાં આવી નથી. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ એમ.એસ.પી. પર એક સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
જો કે, આ મુદ્દે પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ સમિતિની જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ઉત્તર પ્રદેશના લખીમપુરા ખીરી હત્યાકાંડમાં એસઆઈટી રિપોર્ટમાં મુખ્ય આરોપી તરીકે અજય મિશ્ર ટેનીના નામનો ઉલ્લેખ હોવા છતાં કેન્દ્રીય મંત્રી મંડળમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી નથી. જે ખેડૂતો સાથે ધરાર વિશ્વાસઘાત સમાન છે.
આ સિવાય ખેડૂત સમાજ દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પોતાના ખેડૂત વિરોધી એજેન્ડા પર પાછલા બારણેથી આગળ વધી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર સમજુતીને કારણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
આ તમામ વિષમ સ્થિતિઓ વચ્ચે પણ ખેડૂતો દ્વારા રાત – દિવસની કાળી મજુરી કરીને દેશને આજે ખાદ્યાન્ન મુદ્દે આત્મ નિર્ભર બનાવવામાં સૌથી મોટો ફાળો આપવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને અપીલ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ વાયદાઓ વહેલી તકે પૂર્ણ કરાવવામાં આવે અને જો તેમ છતાં કેન્દ્ર સરકાર પોતાના વચનો પાળવામાં નિષ્ફળ જશે તો ખેડૂતોએ નાછૂટકે પુનઃ આંદોલનના રસ્તે વળવું પડશે.