Oscar એવોર્ડ કેમ છે ખાસ ? શું છે તેનો ઈતિહાસ અને જાણો ઓસ્કાર સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો
આખી દુનિયામાં 95માં ઓસ્કાર એવોર્ડની ભારે ચર્ચા થઈ રહી છે. ભારતે આજે બે ઓસ્કાર પણ જીત્યા છે. ત્યારે ચાલો જાણીએ આખી દુનિયામાં દીવાનગી ધરાવતા ઓસ્કાર એવોર્ડના ઈતિહાસ વિશે.
મનોરંજન જગતનું સૌથી મોટું સન્માન એટલે કે ઓસ્કાર એવોર્ડ. તેનું આયોજન 12 માર્ચે રાત્રે 8 વાગ્યે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં થયું છે. ભારતીય સમયાનુસાર, તેનું લાઈવ ટેલિકાસ્ટ 13 માર્ચે સવારે 5:30 વાગ્યે શરુ થયો હતો. એવોર્ડ સેરેમનીનું સ્ટ્રીમિંગ યુટ્યૂબ, હુલુ લાઈવ ટીવી, ડાયરેક્ટ ટીવી, ફુબો ટીવી, એટી એન્ડ ટી ટીવી પર જોવા મળ્યો હતો. તેની જવાબદારી એબીસી નેટવર્કે લીધી છે. ભારતમાં તેની સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવ્યું હતુ.
કેમ ખાસ છે ઓસ્કાર?
ભારત તરફથી 2023ના ઓસ્કારમાં ત્રણ અલગ-અલગ ફિલ્મોએ પોતાનો દાવો કર્યો હતો. બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં આ વર્ષે ભારતમાંથી બે ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય આરઆરઆરનું લોકપ્રિય ગીત નાટુ નાટુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ થયું હતુ. જેમાંથી ભારતે બે ઓસ્કાર આજે જીત્યા છે . એક નાટુ નાટુ સોંગે અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મમાં The Elephant Whisperersને પણ ઓવોર્ડ મળ્યો છે.
બેસ્ટ ડોક્યુમેન્ટરી માટે ભારત તરફથી ઓલ ધેટ બ્રેથને સામેલ કરવામાં આવી છે જ્યારે બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને સામેલ કરવામાં આવી હતી. આ વખતે ઓસ્કારથી ભારતને આશાઓને જીવંત બનાવી છે અને વર્ષ 2023 ભારત માટે ઐતિહાસિક વર્ષ બન્યુ છે. આ વખતે ભારત તરફથી દીપિકા પાદુકોણ એવોર્ડ શોમાં પ્રેઝેન્ટર તરીકે જોવા મળી હતી.
દુનિયા ઓસ્કારની દિવાની
અકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવતો ઓસ્કાર એવોર્ડ મનોરંજન જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. તેને અકાદમી એવોર્ડ ઓફ મેરિટ કે અકાદમી પુસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવોર્ડ આંતરાષ્ટ્રીય મનોંરજન જગત અને ખાસ કરીને હોલિવુડની ફિલ્મો અને કલાકારોને આપવામાં આવે છે.
ઓસ્કાર એવોર્ડ સિનેમા અને મનોરંજનમાં શ્રેષ્ઠ કામ માટે કુલ 24 કેટેગરીમાં આપવામાં આવે છે, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ, બેસ્ટ એક્ટ્રેસ ઇન લીડિંગ રોલ, બેસ્ટ એનિમેટેડ ફીચર, બેસ્ટ ડ્રેસ ડિઝાઇન, બેસ્ટ સાઉન્ડ એડિટિંગ અને શ્રેષ્ઠ લેખન (ઓરિજિનલ સ્ક્રીનપ્લે) સહિત કુલ 24 શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્કાર વિજેતાઓની પસંદગી “એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ” દ્વારા કરવામાં આવે છે.
ઓસ્કારનો ઈતિહાસ
ઓસ્કાર એવોર્ડની તારીખ 1929ની છે જ્યારે એકેડેમી એવોર્ડ 16 મે, 1929ના રોજ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત હોલીવુડ રૂઝવેલ્ટ હોટેલ ખાતે 270 સહભાગીઓ સાથે કુલ 12 કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. ઓસ્કાર એવોર્ડનો મુખ્ય હેતુ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના કલાકારોનું સન્માન કરવાનો હતો. હાલમાં આ એવોર્ડ ફિલ્મ નિર્માણમાં નવીન વિચારો અને તકનીકોના ઉપયોગ પર વધારે ભાર મૂકે છે.
ઓસ્કાર પુરસ્કારોનું સૌપ્રથમ 1930માં રેડિયો દ્વારા વ્યાપકપણે પ્રસારણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 1953માં ટેલિવિઝન દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. હાલમાં, ઓસ્કાર એવોર્ડ્સ 200 થી વધુ દેશોમાં જીવંત પ્રસારણ થાય છે. ઓસ્કારને વૈશ્વિક સ્તરે મનોરંજન જગતનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે અને આ એવોર્ડ જીતવો એ કોઈપણ ફિલ્મ કલાકાર માટે ગર્વની ક્ષણ હોય છે.