
વિશ્વભરમાં પરમાણુ બોમ્બની સંખ્યા 2026 માં કેટલી તે અંગેના આંકડાઓ જાહેર થયા છે. જો કે, એક રાહતની વાત એ છે કે, 2025 ની તુલનામાં 2026 માં વૈશ્વિક પરમાણુ ભંડારમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) એ તેના અહેવાલમાં, 2026 માટે વૈશ્વિક પરમાણુ ભંડાર 12,187 હોવાનો અંદાજ લગાવ્યો છે. એક વર્ષ અગાઉ, 2025 માં, વૈશ્વિક પરમાણુ બોમ્બનો ભંડાર 12,241 હતો.
SIPRIનો અંદાજ છે કે, જાન્યુઆરી 2026 માં વૈશ્વિક પરમાણુ શસ્ત્રોનો ભંડાર 12,187 હતો, જે પાછલા વર્ષના 12,241 હતો. રશિયા અને યુએસએના પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, તેનાથી વિપરીત, ચીન, ફ્રાન્સ અને ભારતના પરમાણુ શસ્ત્ર ભંડારમાં વધારો થવાનો અંદાજ છે. આમાં, ફ્રાન્સના પરમાણુ શસ્ત્રોમાં સૌથી વધુ નોંધપાત્ર વધારો જોવા મળે છે.
| દેશ | 2025 માં પરમાણુ બોમ્બની સંખ્યા | 2026 માં પરમાણુ બોમ્બની સંખ્યા |
| રશિયા | 5469 | 5420 |
| યુએસએ | 5177 | 5042 |
| ચીન | 600 | 620 |
| ફ્રાન્સ | 290 | 370 |
| યુકે | 225 | 225 |
| ભારત | 180 | 190 |
| પાકિસ્તાન | 170 | 170 |
| ઇઝરાયલ | 90 | 90 |
| ઉત્તર કોરિયા | 50 | 60 |
| કુલ | 12241 | 12187 |
SIPRI રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા 2026 માં વધીને 190 થશે. એક અહેવાલ મુજબ ભારત પાસે 2025 માં 180 પરમાણુ બોમ્બ હતા. ભારતના પરમાણુ ભંડારમાં થયેલ વધારો, એ દેશની વ્યૂહાત્મક સૈન્ય ક્ષમતાઓમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.
પરમાણુ બોમ્બની સંખ્યાના સંદર્ભમાં ભારત પાકિસ્તાનથી આગળ છે. 2025 અને 2026 વચ્ચે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ 170 હોવાનો અંદાજ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, વિશ્વભરમાં પરમાણુ બોમ્બની કુલ સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે, આ વલણ ટૂંક સમયમાં ઉલટું થઈ શકે છે, કારણ કે વિવિધ દેશો તેમના નવા પરમાણુ બોમ્બ આધારિત શસ્ત્રોનો જમાવડો કરી રહ્યાં છે, જૂના હથિયારોને તોડી પાડવાની પ્રક્રિયા ધીમી કરી રહ્યા છે.