બિલાવર ભુટ્ટોએ અમેરિકામાં પાકિસ્તાનનુ નાક કપાવ્યું, વિદેશનીતિના જાણકારોએ ભારત પાસેથી શીખવા આપી સલાહ
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બન્યા બાદ બિલાવલ ભુટ્ટો ઝરદારી ત્રણ વાર અમેરિકાના પ્રવાસે ગયા છે. બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલા નુકસાનને લઈને વિશ્વભરના દેશ પાસે આર્થિક મદદ માંગતા ફરે છે.
વૈશ્વિક મંચ પર પાકિસ્તાન ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું છે. આ વખતે મામલો પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના અમેરિકા પ્રવાસ સાથે જોડાયેલો છે. તાજેતરમાં તેઓ 14 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યૂયોર્કમાં G-77 પ્લસ ચીનની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી વિરૂદ્ધ ઝેર ઓકનાર પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી શક્યા ન હતા. મોટી વાત એ છે કે 20 ડિસેમ્બરે એન્ટોની બ્લિંકન પણ ત્યાં જ હતા. પરંતુ બિલાવર ભુટ્ટો ઝરદારીને મળવાને બદલે એન્ટોની બ્લિંકને માત્ર ફોન પર વાત કરી હતી.
આ દરમિયાન બિલાવલે અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી આર શર્મનને મળીને પોતાને સંતોષ માનવો પડ્યો હતો. બિલાવલ યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસને પણ મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનના વિદેશ પ્રધાન બન્યા બાદ ત્રણ વખત અમેરિકાના પ્રવાસે ગયા છે. બિલાવલે પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલા ભારે નુકસાનને લઈને દુનિયા પાસેથી આર્થિક મદદની માંગ કરી રહ્યાં છે.
પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી
અત્રે ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પોતાના યુએસ પ્રવાસ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. બિલાવલે વડાપ્રધાન મોદી માટે અશોભનીય શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો. હવે બિલાવલ ભુટ્ટો ઝરદારી પર પાકિસ્તાનમાં જ સવાલો ઉઠી રહ્યા છે.
બ્લિંકેન બિલાવલને ના મળ્યા
મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એન્ટની બ્લિંકન સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી કે માત્ર ફોન પર વાતચીત કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવાાં આવ્યું હતું કે, બિલાવલ ભુટ્ટોએ એન્ટની બ્લિંકન સાથે ખૂબ જ ફળદાયી વાતચીત કરી હતી.
પાકિસ્તાનની સ્થિતિને લઈને સવાલ
પીએમ મોદી પર ટિપ્પણી કરીને સસ્તી પ્રશંસા મેળવનાર બિલાવલ ખુદ પાકિસ્તાનમાં જ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું દેશના વિદેશ પ્રધાન પાસે વોશિંગ્ટન ગયા પછી પણ અમેરિકાના વિદેશ પ્રધાનને મળવાનો સમય આપવા જેટલી પણ આબરુ નથી. એટલું જ નહીં ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે બિલાવલ ભુટ્ટોની સમજણ ઉપર જ સવાલ ઉઠાવ્યા છે.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરના વખાણ
અબ્દુલ બાસિતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બિલાવલે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પાસેથી શીખવું જોઈએ. બાસિતે કહ્યું કે બિલાવલે અમેરિકામાં પાકિસ્તાનનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે બિલાવલે એસ. જયશંકર પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે ડર્યા વગર પોતાની વાત દુનિયાની સામે રાખવી.
બિલાવલે વોશિંગ્ટન જવાની જરૂર જ નહોતી
અબ્દુલ બાસિતે કહ્યું કે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા માટે ન્યૂયોર્ક ગયા હતા, પરંતુ ત્યાંથી તેઓ વોશિંગ્ટન ડીસી નહીં પરંતુ સીધા દિલ્હી આવ્યા હતા. તેમણે કહ્યું કે બિલાવલને વોશિંગ્ટન ડીસી જવાની શું જરૂર હતી.