સિડની-દિલ્હી એરલાઈન ટૂંક સમયમાં શરૂ થશે, ઓસ્ટ્રેલિયાની નેશનલ કેરિયર Qantasએ કરી જાહેરાત
ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય કેરિયર Qantasએ જાહેરાત કરી છે કે, તે સિડની અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરશે.
ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય કેરિયર Qantasએ જાહેરાત કરી છે કે, તે 6 ડિસેમ્બરથી સિડની અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરશે. જોકે, એરલાઈને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય સત્તાવાળાઓ તરફથી આ સંબંધમાં મંજૂરી મળ્યા બાદ જ ઓપરેશન શરૂ કરવામાં આવશે. સિડની સ્થિત કેરિયરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સિડનીથી દિલ્હીની ફ્લાઈટ્સ ડાર્વિન ખાતે રોકાશે, જ્યારે પાછા ફરવાની મુસાફરી નોન-સ્ટોપ હશે. એરબસ અઠવાડિયામાં ત્રણ વખત A330 એરક્રાફ્ટ દ્વારા ફ્લાઈટ્સ ઉડાડશે.
કંપનીએ એમ પણ કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે, જેના દ્વારા દરરોજ બે શહેરો વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન ભરશે. ક્વાન્ટાસે વધુમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર અને ભારતની રાષ્ટ્રીય રાજધાની વચ્ચેની ફ્લાઇટ્સ શરૂઆતમાં ઓછામાં ઓછી માર્ચ 2022 સુધી ઉડાન ભરશે, જો માંગ નોંધપાત્ર રહેશે તો ચાલુ રાખવાના વિકલ્પ રહેશે.
આ વિશે વાત કરતા ક્વાન્ટાસ ગ્રૂપના સીઈઓ એલન જોયસે જણાવ્યું હતું કે, “અમારા બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને જોતા સિડની-દિલ્હી રૂટ પરની ફ્લાઈટ્સ છેલ્લા કેટલાક સમયથી અમારા રડાર પર છે. અમને લાગે છે કે, જ્યારે સરહદો ફરીથી ખોલવામાં આવશે ત્યારે લોકો પાસેથી જબરદસ્ત માંગ થશે.
દેશમાં લાગુ કરાયેલા નિયંત્રણો નવેમ્બરમાં હટાવવામાં આવશે
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને (Scott Morrison) આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મુસાફરી પરનો પ્રતિબંધ નવેમ્બરમાં હટાવી લેવામાં આવશે. કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્ચ 2020 માં દેશમાં લોકડાઉન પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો વિશ્વમાં સૌથી કડક માનવામાં આવતા હતા.
જો કે, સત્તાવાર રીતે પ્રતિબંધો હટાવવા માટે તારીખ નક્કી કરવામાં આવી નથી. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન સરકાર કોવશિલ્ડ ધરાવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની રસીકરણની સ્થિતિને પણ માન્યતા આપશે. આ બ્રિટનની AstraZeneca રસીનો ભારતીય પ્રકાર છે.
સિંગાપુરે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશો માટે પોતાના દરવાજા ખોલ્યા
સિંગાપુરે શનિવારે જાહેરાત કરી હતી કે, તે કોરોનાવાયરસના વધતા જતા કેસો છતાં દક્ષિણ એશિયાના દેશો માટે તેના દરવાજા ખોલી રહ્યું છે. આ દેશોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જે લોકો છેલ્લા 14 દિવસથી ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં રહે છે તેઓ 26 ઓક્ટોબર, 2021થી સિંગાપોરમાં પ્રવેશ કરી શકે છે અથવા ઉડાન ભરી શકે છે. આ દેશોના પ્રવાસીઓને અગાઉ સિંગાપોરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો.