POK Protest : POKમાં ભૂખમરો, લોટ માટે રસ્તા પર લડાઈ, હાઈવે બંધ, બજારો બંધ
POKમાં વિરોધઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકોને લોટ નથી મળી રહ્યો. બજારમાં લોટની કિંમત ઘણી વધારે છે. મોંઘવારીના કારણે સામાન્ય લોકો લોટ ખરીદી શકતા નથી. હવે અંતે લોકોએ અહીં રસ્તા પર આવીને ચક્કા જામ કરી દીધું હતું.
POK Protest : પાકિસ્તાન છેલ્લા એક વર્ષથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સરકારે બજેટ તો બનાવ્યું, પણ પહેલા સરહદની ચિંતા કરી હતી, નાગરિકોની સુરક્ષા અંગે કોઈ જોગવાઈ કરવામાં ના આવી. પાકિસ્તાનમાં લોકો ભૂખથી મરી રહ્યા છે. દુકાનોમાં અનાજ આવતું નથી. અનાજ પણ ખૂબ મોંઘું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી, ભૂખમરા અને મોંધવારીને લઈને કેટલીક ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે. અહીં લોકોને લોટ માટે ચક્કા જામ કરવા પડે છે.
TV9 દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બુધવારે PoKમાં લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ હાઈવે સહીતના રસ્તાઓ બ્લોક કર્યા હતા. લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં લોટ સપ્લાય કરવામાં આવતો નથી. આવી સ્થિતિમાં ઘરે રોટલી બનતી નથી. આખરે લોકોને રસ્તા પર આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો. વિરોધને કારણે આજે અહીંની મોટાભાગની દુકાનો બંધ છે. લોકોએ લગભગ દરેક રસ્તા પર ઈંટો, પથ્થરો અને કાંટા મુકીને ચક્કા જામ કરી દીધા છે.
લોટ એટલો મોંઘો છે કે સામાન્ય લોકો તેને ખરીદી શકતા નથી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ઘણા દિવસોથી બજારમાં લોટ નથી આવી રહ્યો. લોટ આવતો હોય તો પણ ભાવ ઘણો વધારે છે. વિરોધ કરવા રસ્તા પર ઉતરેલા લોકોએ જણાવ્યું કે, બજારમાં એટલી મોંઘવારી છે કે સામાન્ય લોકો લોટ ખરીદી શકતા નથી. TV9ને મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકોએ રસ્તો બ્લોક કરવા માટે પથ્થરો અને કાંટા રસ્તામાં મુક્યા છે. પાકિસ્તાનના મોટાભાગના રાજ્યો અને જિલ્લાઓ ગરીબીની ઝપેટમાં આવી ગયા છે. સ્થિતિ એવી છે કે ખાંડ અને લોટના ભાવ આસમાને છે.
ઘઉંનો પુરવઠો નથી, લોટ મિલ બંધ પડી છે
બલૂચિસ્તાનમાં પણ સ્થિતિ ગંભીર છે. ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ 130 થી 200 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. જ્યારે 20 કિલો લોટની થેલી 2600-4000 રૂપિયામાં વેચાઈ રહી છે. કટોકટીના કારણે લોટ મિલ બંધ છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં બજારમાં લોટની અછત છે. ઘઉંના અપૂરતા પુરવઠાને કારણે સિંધ અને કરાચીમાં લોટ મિલો બંધ કરવી પડી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો