
રશિયા ભારતને તેની જરૂરિયાત મુજબનું “જેટલું જોઈએ તેટલું” ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નવી દિલ્હી ખાતેના રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ (Denis Alipov) એ આ મહત્વનું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે અમેરિકા દ્વારા અપનાવવામાં આવતી “દબાણ કરવાની નીતિ”ની આકરી ટીકા કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે મોસ્કો ભારત સાથે તેલનો વેપાર અવિરત ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.
સમાચાર એજન્સી ના અહેવાલ મુજબ, રશિયન રાજદૂતનું આ નિવેદન એવા નાજુક સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા બદલ નવી દિલ્હી પર આકરા ટેરિફ લાદવાની ધમકી આપી છે.
રશિયન રાજદૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ભારતને જેટલા તેલની જરૂર પડશે, અમે તેટલો જથ્થો પૂરો પાડવા માટે હંમેશાં તૈયાર રહીશું. કમનસીબે, જે દેશો પ્રતિબંધો અને ટેરિફ ઝીંકે છે, તેમણે ઈમાનદાર સહયોગના બદલે અન્યાયી દબાણનો માર્ગ પસંદ કર્યો છે. વાસ્તવિકતા એ છે કે તે દેશો ભારતને અમારા કરતાં વધુ સારી અને સસ્તી ડીલ આપી શકતા નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો વૈશ્વિક સ્તરે રશિયન ક્રૂડનું વેચાણ અટકાવવામાં આવે, તો સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા તેને સહન કરી શકશે નહીં. આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ રશિયન તેલને બહાર રાખવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. રશિયન તેલ ભારત અને અન્ય ખરીદદાર દેશો માટે બજારમાં ઉપલબ્ધ રહેશે જ. રશિયા ભારતને સપ્લાય કરવામાં રસ ધરાવે છે અને ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તે ખરીદવામાં રસ ધરાવે છે. ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના નાગરિકોના હિત અને જરૂરિયાતોને હંમેશાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે.
યુક્રેન યુદ્ધને આગળ ધપાવવાનો આરોપ મૂકીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાએ ભારત પર 50 ટકા સુધી ટેરિફ લાદ્યા છે. આ ઉપરાંત, યુદ્ધ વચ્ચે રશિયાની ઓઇલ આવક રોકવા માટે અમેરિકા દ્વારા વૈશ્વિક સ્તરે સતત દબાણ ઊભું કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ની નાકાબંધીને ધ્યાને રાખીને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકા તરફથી અગાઉ અપાયેલી કામચલાઉ છૂટછાટો છતાં, યુએસ સેનેટમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં રશિયન ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ટોચના 5 ખરીદદાર દેશો પર 100 ટકા સુધી ટેરિફ લાદવાનો આકરો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ વિધેયક ટ્રમ્પ વહીવટીતંત્રને અન્ય દેશો પર વધારાના કડક આર્થિક પ્રતિબંધો લાદવાની સત્તા આપશે. જો આ બિલ સંપૂર્ણપણે અમલી બનશે, તો તેની સીધી અને મોટી અસર ભારત, ચીન તેમજ તુર્કી જેવા પ્રમુખ આયાતકાર દેશો પર પડી શકે છે.