સોલાર પ્લાન્ટ લગાવવો હવે વધુ સસ્તો બનશે, જીએસટી કાઉન્સિલ ટેક્સમાં સીધો 4% ઘટાડો કરવાની તૈયારીમાં
સોલાર પ્લાન્ટ લગાવવાનો પ્લાન કરી રહ્યા છો? તો થોભી જાવ! સરકાર ટૂંક સમયમાં એવો મોટો નિર્ણય લેવા જઈ રહી છે જેનાથી સીધા લાખો રૂપિયાની બચત થશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં એવો કયો નિયમ બદલાવા જઈ રહ્યો છે જેનાથી ઉદ્યોગોને થશે મોટો ફાયદો? જાણો અંદરની વિગત.

સોલાર પ્લાન્ટ સ્થાપતા ઉદ્યોગોને ટૂંક સમયમાં મોટી આર્થિક રાહત મળી શકે છે. જીએસટી કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં સોલાર પ્લાન્ટના EPC (Engineering, Procurement, and Construction) કોન્ટ્રાક્ટ પર ફ્લેટ 5 ટકા જીએસટી વસૂલવા પર વિચાર કરી રહી છે. હાલમાં ઉદ્યોગો માટે 70:30 નો જટિલ નિયમ લાગુ છે, જેમાં 70 ટકા હિસ્સા પર 5 ટકા અને બાકીના 30 ટકા હિસ્સા પર 18 ટકા ટેક્સ લાગે છે.

રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે, જેના કારણે ભવિષ્યમાં સોલાર પ્લાન્ટ ઊભો કરવાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે. કાઉન્સિલ આ કોન્ટ્રાક્ટના સર્વિસ વાળા ભાગ પર લાગતા 18 ટકા ટેક્સને ઘટાડીને 5 ટકા કરવાની દિશામાં કામ કરી રહી છે. EPC કોન્ટ્રાક્ટ મોટા પાયે એનર્જી પ્રોજેક્ટ્સનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું એક મોડેલ છે, જેમાં ડિઝાઇનિંગ અને સાધનોની ખરીદીથી લઈને આખરી બાંધકામ સુધીનું તમામ કામ એક જ કોન્ટ્રાક્ટરે પૂરું કરવાનું હોય છે.

હાલમાં કેટલો છે જીએસટી દર? હાલના નિયમો અનુસાર સોલાર પ્લાન્ટ લગાવવાનો પ્રભાવી (ઇફેક્ટિવ) જીએસટી દર આશરે 8.9 ટકા બેસે છે. જો કાઉન્સિલ તેને ઘટાડીને સીધો 5 ટકા ફ્લેટ રેટ કરશે, તો પ્રોજેક્ટ ડેવલપર્સને સીધી આશરે 4 ટકા જેટલી મોટી બચત થશે. હાલમાં લાગુ 70:30 ફોર્મ્યુલા મુજબ: 70 ટકા હિસ્સો સાધનો અને સામગ્રી (Goods) નો ગણાય છે, જેના પર 5% જીએસટી લાગે છે. 30 ટકા હિસ્સો સર્વિસ (સેવાઓ) નો ગણવામાં આવે છે, જેના પર 18% જીએસટી વસૂલવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી લાંબા સમયથી સમગ્ર કોન્ટ્રાક્ટ પર ફ્લેટ 5 ટકા જીએસટી લાગુ કરવાની માંગ કરી રહી છે.

ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) નો નથી મળતો લાભ: ઉદ્યોગ જગતનું કહેવું છે કે સાધનો અને સેવાઓ મળીને 8.9 ટકા ટેક્સ ચૂકવવો પડે છે, પરંતુ સોલાર પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પર કોઈ જીએસટી લાગતો નથી (વીજળી જીએસટી મુક્ત છે). આઉટપુટ પર કોઈ ટેક્સ ન હોવાના કારણે પ્રોજેક્ટ ડેવલપર્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરી શકતા નથી, જેના કારણે આ ટેક્સ તેમના માટે વધારાનો ખર્ચ બની જાય છે. જો ફ્લેટ 5 ટકા જીએસટી કરી દેવાય તો ટેક્સનો આર્થિક બોજ ઘણો ઓછો થઈ જશે.

ITC જ છે સૌથી મોટો વિવાદ: ઉદ્યોગો માટે સૌથી મોટી ચિંતા આ અણવપરાયેલી ITC નો ભરાવો છે. પ્લાન્ટના નિર્માણમાં વપરાતા ગ્લાસ અને મેટલ પર હાલ 18 ટકા જીએસટી લાગે છે, જ્યારે સોલાર પેનલ પર 5 ટકા છે. સાથે જ સર્વિસિસ પર પણ 18 ટકા ચૂકવવા પડે છે. આઉટપુટ પર કોઈ ક્રેડિટ ક્લેમ ન મળતો હોવાથી પ્રોજેક્ટની પડતર કિંમત વધી જાય છે. ઉદ્યોગોનું માનવું છે કે સમગ્ર સિસ્ટમ પર ફ્લેટ 5 ટકા જીએસટી દર લાગુ થવાથી આ તમામ ટેક્સ વિવાદો અને ગૂંચવણોનો કાયમી અંત આવી જશે.
ગમે તેટલા AC, કૂલર કે પંખા ચલાવો, વીજબિલ આવશે ‘ઝીરો’: જાણો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેવી રીતે મળશે સબસિડી
