યુએસ પ્રમુખ જો બાઈડન, 21 સપ્ટેમ્બરના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયોનું સ્વાગત કરવા આતુર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2024 બાદની આગામી ક્વાડ સમિટનું આયોજન ભારત કરશે. જે મુખ્યત્વે ગુજરાતના વડોદરા ખાતે યોજાશે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રપતિ બાઈડન વિલ્મિંગ્ટનમાં વિદેશી નેતાઓની યજમાની કરવા જઈ રહ્યા છે. આ તેમના અંગત સંબંધો અને ક્વાડનું મહત્વ દર્શાવે છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઈડન વહીવટીતંત્રે ક્વાડને આગળ વધારવા અને તેને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવાની પ્રાથમિકતા બનાવી છે. તમને જણાવી દઈએ કે 2021માં વ્હાઇટ હાઉસમાં ક્વાડ લીડર્સની એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી આ કોન્ફરન્સ દર વર્ષે યોજાય છે. તાજેતરના વર્ષોમાં, ક્વાડના વિદેશ પ્રધાનો આઠ વખત મળ્યા છે. આ ઉપરાંત આ દેશોની સરકારો પણ પોતાની વચ્ચે તાલમેલ જાળવી રહી છે.
કોન્ફરન્સમાં આરોગ્ય સુરક્ષા, કુદરતી આફતોનો પ્રતિસાદ, દરિયાઈ સુરક્ષા, ઉચ્ચ ગુણવત્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જટિલ અને ઉભરતી ટેકનોલોજી, આબોહવા અને સ્વચ્છ ઉર્જા અને સાયબર સુરક્ષા જેવા મહત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને મજબૂત કરવાનો, મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવાનો અને આ ક્ષેત્રમાં ભાગીદારોને નક્કર લાભો પ્રદાન કરવાનો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષે એટલે કે 2025માં ભારત તેના વડોદરા શહેરમાં ક્વાડ સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, બાઈડન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયોનું સ્વાગત કરવા ઇચ્છુક છે.