સુનિતા વિલિયમ્સ માટે PM મોદીએ લખ્યો લાગણીસભર પત્ર, કહ્યુ 140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ- Video
ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 માર્ચ, 2025ના રોજ એક વિશેષ લાગણીસભર પત્ર લખ્યો હતો. PM મોદીએ પત્રમાં તેમની સિદ્ધિઓના વખાણ કરતા જણાવ્યું કે 140 કરોડ ભારતીયો તમારી મહેનત અને સફળતા પર ગર્વ અનુભવે છે.
ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 માર્ચ, 2025ના રોજ એક ખાસ પત્ર લખ્યો હતો, જેમા તેમણે તમામ ભારતીયો તરફથી તેમને શુભેચ્છા પાઠવી છે. પત્રમાં તેમણે સુનિતાની સિદ્ધિઓ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી અને તેમના સ્પેસ મિશન માટે શુભકામનાઓ પાઠવી છે.
માઈક મસીમિનો સાથેની મુલાકાતની યાદો વાગોળી
PM મોદીએ પત્રમાં જણાવ્યુ છે કે એક કાર્યક્રમમાં તેમની પ્રખ્યાત અવકાશયાત્રી માઈક મસીમિનો સાથે મુલાકાત થઈ હતી, આ દરમિયાન અમારી વાતચીતમાં તમારી અને તમારા કામની ચર્ચા થઈ હતી. વાતચીતમાં તમારા કામથી અમે અતિશય ગર્વની લાગણી અનુભવીએ છીએ તેવુ માઈકે પણ જણાવ્યુ અને મે પણ તેમની વાતનું સમર્થન કર્યુ હતુ. આ વાતચીત બાદ હું મારી જાતને આ પત્ર લખતા રોકી ન શક્યો અને આ પત્ર લખવાનો નિર્ણય કર્યો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ બાઈડેન પાસેથી તમારા હાલચાલ જાણ્યા
PM મોદીએ પત્રમાં જણાવ્યું કે જ્યારે તેઓ અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે તેઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એ પહેલા રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત દરમિયાન સુનિતાના કુશળમંગળ અને સારી તબિયત અંગે પૃચ્છા કરી હતી.
140 કરોડ ભારતીયોને સુનિતાની સિદ્ધિ પર ગર્વ
PM મોદીએ જણાવ્યું કે સમગ્ર ભારત સુનિતાની સિદ્ધિથી ગૌરવ અનુભવે છે. તેમના અવકાશ મિશનને તેમણે બહાદૂરી અને પ્રતિબદ્ધતાનું પ્રતિક ગણાવ્યું.
” હજારો માઈલ દૂર હોવા છતાં, કરોડો ભારતીયોના દિલની એક્દમ નજીક”
PM મોદીએ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો કે સુનિતા તમે હજારો મીલ દૂર હોવા છતાં દરેક ભારતીયોના દિલની ખૂબ નજીક છો. તેઓએ ભારતના તમામ નાગરિકો તરફથી સુનિતા માટે પ્રાર્થના કરી કે તેમની સફર સલામત રહે અને તેમના મિશનમાં સફળતા મેળવે.
સુનિતાના સ્વ. દીપકભાઈ અને માતા બોની પંડ્યાને પણ યાદ કર્યા
PM મોદીએ સુનિતાની માતા બોની પંડ્યાનો ઉલ્લેખ કર્યો કે તેઓ અવકાશમાંથી તેમની પુત્રીની વાપસી માટે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે સુનિતાના સ્વ. પિતા દીપકભાઈને પણ યાદ કર્યા અને જણાવ્યુ કે તેમના આશીર્વાદ પણ તમારી સાથે છે. આ સાથે પીએમ મોદીએ તેમના પિતા અને સુનિતા સાથેની વર્ષ 2016માં થયેલી તેમની મુલાકાતની યાદ પણ તાજી કરી.
“ભારત તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યું છે”
PM મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે ભારત તેમના પાછા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યુ કે ભારત માટે એ પળ ઘણી આનંદની હશે જ્યારે તેઓ તેમની સૌથી ખ્યાતનામ અને સફળ પુત્રીની તેમના દેશમાં યજમાની કરશે.
સુનિતા અને તેમના સાથી અવકાશયાત્રી માટે શુભેચ્છા
PM મોદીએ પત્રના અંતે સુનિતા વિલિયમ્સ અને તેમના સહ-અવકાશયાત્રી બેરી વિલમોર માટે સલામત શુભેચ્છાઓ પાઠવી. સાથે જ, તેમણે સુનિતાના પતિ માઈકલ વિલિયમ્સ માટે પણ સ્નેહભર્યા અભિનંદન પાઠવ્યા.