Pakistan: ઈમરાન ખાન પર દેશદ્રોહનો આરોપ, શું કહે છે બંધારણ અને કેટલો ગંભીર છે આ મુદ્દો?
પાકિસ્તાનના બંધારણમાં દેશદ્રોહ અંગે પણ એવી વાત છે જે આશ્ચર્યજનક છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિ રાજદ્રોહની વ્યાખ્યામાં આવતી નથી. તેને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો માનવામાં આવે છે.
પાકિસ્તાન (Pakistan)માં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિપક્ષના નેતા શાહબાઝ શરીફ અને પીપીપી પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ઈમરાન સરકાર પર દેશદ્રોહનો (Sedition) આરોપ લગાવ્યો છે. બંનેનું કહેવું છે કે ઈમરાન ખાનની (Imran Khan) સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટ ફગાવીને બંધારણની કલમ 6 હેઠળ દેશદ્રોહ કર્યો છે. હકીકતમાં રવિવારે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને (No-confidence motion) ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો હતો. આનાથી વિપક્ષો નારાજ છે અને તેઓ કહે છે કે આમ કરીને બંધારણનું ઉલ્લંઘન થયું છે. તેથી તેમની સામે બંધારણની કલમ 6 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
શું કહે છે બંધારણની કલમ-6?
જિયો ન્યૂઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે બંધારણને રદ કરે છે, તેની સાથે છેડછાડ કરે છે, ષડયંત્ર રચે છે, મુલતવી રાખે છે, તેને રોકવાનો પ્રયાસ કરે છે અથવા તેની વિરુદ્ધ બળનો ઉપયોગ કરે છે, તેને દેશદ્રોહી કહેવામાં આવશે. કલમ 6ની બીજી કલમ કહે છે કે જે વ્યક્તિ આવા કામમાં સહકાર આપે છે, પ્રોત્સાહન આપે છે અથવા મદદ કરે છે તે પણ રાજદ્રોહનો દોષી માનવામાં આવશે.
પાકિસ્તાનના બંધારણમાં દેશદ્રોહ અંગે પણ એવી વાત છે જે આશ્ચર્યજનક છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિ રાજદ્રોહની વ્યાખ્યામાં આવતી નથી. તેને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો માનવામાં આવે છે. જેમાં સેનાને ઉશ્કેરવી, દુશ્મનો સાથે ષડયંત્ર રચવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ વખત 1973ના બંધારણમાં ‘રાજદ્રોહ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે 18મા સુધારા બાદ રાજદ્રોહનો ખ્યાલ બદલાઈ ગયો હતો. આમાં વધુ એક વાત ઉમેરવામાં આવી કે ‘બંધારણને સસ્પેન્ડ કરનાર કે અસ્થાયી રૂપે સ્થગિત કરનાર વ્યક્તિ અથવા આવી વ્યક્તિને સમર્થન આપનાર વ્યક્તિ દેશદ્રોહી ગણાશે’.
કાર્યવાહીનો અધિકાર કોની પાસે હોય છે?
દેશદ્રોહી સામે પગલાં લેવાનો અધિકાર સંઘીય સરકારને છે. દેશના ગૃહમંત્રી આ કાર્યવાહી શરૂ કરી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય વડાપ્રધાન અને કેબિનેટ દ્વારા લેવામાં આવે છે. આરોપી ખરેખર દેશદ્રોહી છે કે નહીં, તેના પર આરોપ લગાવતી સરકારે પુરાવા સાથે સાબિત કરવું પડશે. જો આ સાબિત થાય તો આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે.
જો કે બંધારણીય રીતે ઈમરાન ખાન પર દેશદ્રોહનો કેસ બને છે કે નહીં, તે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય નક્કી કરશે. કોર્ટનો નિર્ણય નક્કી કરશે કે ઈમરાન દોષિત છે કે નહીં અને અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાનો મામલો બંધારણીય છે કે ગેરબંધારણીય.
આ પણ વાંચો: કેદીઓ બન્યા બેફામ : આ જેલમાં કેદીઓએ એકબીજા પર બંદૂક અને છરી વડે હુમલો કર્યો, 20ના મોત, 5ની હાલત ગંભીર
આ પણ વાંચો: ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક અરુજ આફતાબ કોણ છે ? જાણો અહીંયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-