નેવીનું બ્લૈકહોક હેલિકોપ્ટર થયું ક્રેશ, આ ઘટનામાં 14 લોકોના મોત
નૌકાદળના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સિનાલોઆમાં મેક્સિકન નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 14 લોકો માર્યા ગયા હતા. મેક્સિકોના નૌકાદળે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના શહેર લોસ મોચીસમાં બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જોકે હજુ સુધી શું થયું તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી.

મેક્સિકોના સિનાલોઆમાં નેવી બ્લેકહોક હેલિકોપ્ટર ક્રેશ (Mexico Helicopter Crash) થતાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે. મેક્સિકન નેવીએ શુક્રવારે આ જાણકારી આપી. નેવીએ એક નિવેદનમાં કહ્યું કે, હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ શું છે તેની હાલમાં તપાસ કરવામાં આવી રહ્યું છે. સેનાએ કહ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે આ ઘટના મેક્સિકન ડ્રગ માફિયા રાફેલ કેરો ક્વિંટેરોની ધરપકડ પછી તરત જ બની હતી. તેથી ઘણી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કુખ્યાત ડ્રગ લોર્ડ રાફેલ કેરો ક્વિંટેરોની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. ક્વિંટરોને 1985માં અમેરિકન એન્ટી-નાર્કોટિક્સ એજન્ટની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મેક્સીકન નેવીએ જણાવ્યું હતું કે, કેરો ક્વિંટેરોની શુક્રવારે સિનાલોઆના ચોઈક્સ નગરપાલિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ક્વિંટેરોએ ભૂતપૂર્વ યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) એજન્ટ એનરિક ‘કિકી’ કેમરેનાની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘાતકી હત્યા માટે તેણે 28 વર્ષની જેલની સજા ભોગવી હતી. આ હત્યા મેક્સિકોના લોહિયાળ નાર્કો યુદ્ધોમાં સૌથી પ્રખ્યાત અને કુખ્યાત હત્યાઓમાંની એક છે.
FBI ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ
જો કે ક્વિંટેરો કેમરેનાની હત્યાનો ઇનકાર કરે છે. મેક્સિકોના ન્યાયાધીશે તેને 2013માં મુક્ત કર્યો હતો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ક્વિન્ટેરો મુક્ત થયા બાદ ભૂગર્ભ માં ચાલ્યો ગયો હતો. પરંતુ ત્યાર બાદ તેનું નામ ડ્રગ્સની હેરાફેરીમાં સામે આવ્યું હતું. એફબીઆઈ (FBI) ના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ અપરાધી ઓની યાદીમાં પણ તેનો સમાવેશ થાય છે. યુએસએ ક્વિન્ટરો પર $20 મિલિયનની ઇનામની જાહેરાત કરી હતી.
હેલિકોપ્ટરમાં 15 લોકો સવાર હતા
મેક્સીકન નેવી (Mexican Navy) એ આ સમયે કહ્યું હતું કે હેલિકોપ્ટર દુર્ઘટનાને ક્વિન્ટેરોની ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. સેના એ જણાવ્યું કે વિમાનમાં કુલ 15 લોકો સવાર હતા. સિનાલોઆ રાજ્યમાં આ દુર્ઘટનામાં માત્ર એક સૈનિક બચી ગયો હતો. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા તમામ લોકો મેક્સીકન નેવીના સૈનિકો હતા. આ ઘટના પર શોક વ્યક્ત કરતા મેક્સિકન નેવી (Mexican Navy) એ કહ્યું કે, “સમુદ્રીઓ એ તેમના જીવનકાળ દરમિયાન દેશ માટે સેવા અને સમર્પણ દર્શાવ્યું હતું.”
