નાનકડા નેપાળમાં ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામની કમાણી કેટલી ? પ્રતિબંધથી મચ્યો હોબાળો પણ ફાયદો કોને થયો ?
આજકાલ નેપાળના રસ્તાઓ પર બગાવતની આગ ભભૂકી રહી છે. દરેક જગ્યાએ સૂત્રોચ્ચાર અને હોબાળો મચ્યો છે. સરકારના એક નિર્ણયથી આખા દેશનું વાતાવરણ તખ્તાપલટ સુધી બદલાઈ ગયું છે. રાજધાની કાઠમંડુમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. અને આ ઘટનાની અસર ફક્ત રાજકારણ સુધી જ મર્યાદિત નથી, પરંતુ વ્યવસાય અને રોજિંદા જીવન પર પણ ઊંડી રીતે દેખાય છે.

નેપાળ સોશિયલ મીડિયા પ્રતિબંધ: નેપાળની રાજધાની કાઠમંડુ ગઈકાલથી યુવાનોના ગુસ્સાનો સામનો કરી રહી છે. ગત, 4 સપ્ટેમ્બરના રોજ, નેપાળ સરકારે 26 મુખ્ય સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર એકાએક પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એક્સ, સ્નેપચેટ, લિંક્ડઇન, સિગ્નલ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ નેપાળના યુવાનો સરકારના આ નિર્ણયથી ખૂબ ગુસ્સે છે અને દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ગઈકાલ 8 સપ્ટેમ્બરના રોજ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વિરોધીઓએ સોશિયલ મીડિયા એપ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે સંસદ ભવનની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદને ઘેરી રહેલા 10-15 હજાર વિરોધીઓમાંથી, 21 લોકો મૃત્યુ પામ્યા છે અને 250 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
નેપાળ દેશની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વહીવટીતંત્રને ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવો પડ્યો છે. આમ છતા સ્થિતિ બેકાબૂ છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે નેપાળમાં સોશિયલ મીડિયા એપ્સનું સામ્રાજ્ય કેટલું મોટું છે અને આ પ્રતિબંધોથી કોને અસર થઈ છે. નેપાળ સરકારનું કહેવું છે કે, આ કંપનીઓએ નિયત સમયગાળામાં નેપાળમાં નોંધણી કરાવી ના હતી, તેથી તેમનું સંચાલન ગેરકાયદેસર માનવામાં આવ્યું હતું. હકીકતમાં, સંચાર મંત્રાલયે કંપનીઓને સ્થાનિક સંપર્ક અને ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા માટે એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ બધા મળીને આ સમયમર્યાદા ચૂકી ગયા.
સોશિયલ મીડિયા કંપનીઓનો વ્યવસાય અને આવક
ડિજિટલ કન્ઝ્યુમર રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2025 માં, નેપાળમાં 1.43 કરોડ લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો, જે દેશની વસ્તીના લગભગ 48.1% છે. કાઠમંડુ પોસ્ટના રિપોર્ટમાં ફેસબુકના લગભગ 1.35 કરોડ વપરાશકર્તાઓ અને ઇન્સ્ટાગ્રામના લગભગ 39 લાખ વપરાશકર્તાઓનો ઉલ્લેખ છે.
શેરકાસ્ટ સર્વે મુજબ, 94 ટકા સ્માર્ટફોન વપરાશકર્તાઓ YouTube નો ઉપયોગ કરે છે. જે આ પ્લેટફોર્મની લોકપ્રિયતાનો ખ્યાલ આપે છે.
આ કંપનીઓ નેપાળની આવકમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે. નાણાકીય વર્ષ 2023-24 માં, META, Google, TikTok જેવી 18 મોટી સોશિયલ મીડિયા અને IT કંપનીઓએ નેપાળમાં ઇલેક્ટ્રોનિક સેવાઓ દ્વારા કુલ 2.76 અબજ નેપાળી રૂપિયાની આવક મેળવી હતી અને સરકારને કુલ 415 મિલિયન નેપાળી રૂપિયા મહેસૂલ એટલે કે ટેક્સ સ્વરૂપે તરીકે આપ્યા હતા. આમાંથી 358.5 મિલિયન નેપાળી રૂપિયા VAT હતા અને 58.1 મિલિયન રૂપિયા ઇલેક્ટ્રોનિક સેવા કર હતા.
આ આંકડામાં, સૌથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીએ એકલા 171 મિલિયન VAT અને રૂપિયા 2.93 મિલિયન સર્વિસ ચાર્જ ચૂકવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં વધારાની કંપનીના ઉમેરા સાથે, હવે 19 કંપનીઓએ જુલાઈ-ડિસેમ્બર સુધીમાં લગભગ ₹493.41 મિલિયનનું ટર્નઓવર કર્યું છે, જેમાંથી ₹64.95 મિલિયન સરકારને VAT સ્વરૂપે પ્રાપ્ત થયા છે.
કોને નુકસાન થયું અને કોને ફાયદો થશે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નાના અને મધ્યમ વ્યવસાયો પર મોટી અસર કરે છે. નેપાળી ટાઈમ્સ અનુસાર, ઘણા નાના વેપારીઓ અને હાથથી બનાવેલા ઉત્પાદનો વેચનારાઓનું વેચાણ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર આધાર રાખે છે. ઉપરાંત, વિદેશમાં સ્થાયી થયેલા નેપાળી સમુદાય પણ આ એપ્સ દ્વારા તેમના પરિવારો સાથે જોડાય છે. સોશિયલ મીડિયા બંધ થવાથી આ વેપારીઓ અને સ્થળાંતર કરનારાઓની ચિંતા વધી ગઈ છે કારણ કે તેમની પહોંચ હવે મર્યાદિત થઈ રહી છે.
મોટાભાગની મોટી સોશિયલ મીડિયા એપ્સ બંધ થઈ ગઈ હોવા છતાં, કેટલાક પ્લેટફોર્મે નિયમોનું પાલન કર્યું છે. નેપાળી ટાઈમ્સના અહેવાલ મુજબ, ટિક-ટોક, વાઇબર, નિમ્બઝ, પોપો લાઈવ, વીટોક, ગ્લોબલ ડાયરી અને સ્થાનિક ‘હમરો પેટ્રો’ એપ્સે સરકારની શરતો સ્વીકારી છે, જેના કારણે તેમને તેમનું કાર્ય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો સરકાર પ્રતિબંધિત એપ્સ પાછી નહીં લાવે, તો તેના ગ્રાહકો વર્તમાન એપ્સ તરફ વળી શકે છે, જેનો આ કંપનીઓને ઘણો ફાયદો થશે.
આગળનો રસ્તો કેવો હશે?
આ વિકલ્પો હોવા છતાં, બંધ કરાયેલા પ્લેટફોર્મ પર પહેલા ભારે ટ્રાફિક અને વ્યવસાય હતો, તેથી તેની અસર દેશની ડિજિટલ અર્થવ્યવસ્થા ઉપર પણ પડશે. સરકારે ખાતરી આપી છે કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરશે અને નોંધણી પૂર્ણ કરતા પ્લેટફોર્મ પર સેવાઓ પુનઃસ્થાપિત કરશે. સરકાર અને વિરોધીઓ વચ્ચેની વાતચીત પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવે છે તે જોવાનું બાકી છે. હાલની સ્થિતિમાં તો નેપાળ સરકાર કટોકટીમાં આવી ગઈ છે. ગમે ત્યારે નેપાળમાં સરકાર ઉથલી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
નેપાળને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
આ પણ વાંચોઃ નેપાળમાં હિંસક બન્યું આંદોલન, 20ના મોત 250 ઘાયલ, આગચંપી અને ગોળીબાર, કાઠમંડુમાં કર્ફ્યુ, ગૃહપ્રધાને આપ્યુ રાજીનામું