China: રશિયા-યુક્રેન યુદ્ધ પર ચીને ફરી કરી વાત, સ્થિતિને ગણાવી ગંભીર, સુધારા માટે ‘મદદ’ કરવાની કરી ઓફર
ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે શુક્રવારે યુક્રેનની વર્તમાન સ્થિતિને "ગંભીર" ગણાવી હતી અને શાંતિ માટે "સકારાત્મક ભૂમિકા" ભજવવામાં ચીનની મદદની ઓફર કરી હતી.
ચીનના (China) વડા પ્રધાન લી કેકિયાંગે (Li Keqiang) શુક્રવારે યુક્રેનની વર્તમાન સ્થિતિને (Russia Ukraine War) “ગંભીર” ગણાવી હતી અને શાંતિ માટે “સકારાત્મક ભૂમિકા” ભજવવામાં ચીનની મદદની ઓફર કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને રશિયાની ટીકા કરી ન હતી. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે કટોકટીના શાંતિપૂર્ણ નિરાકરણ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ.
તેમણે કહ્યું કે, અત્યારે સૌથી મોટી બાબત એ છે કે, તણાવને વધતો અટકાવવો અથવા તેને નિયંત્રણની બહાર જતો અટકાવવો. ચીને મોટાભાગે સંઘર્ષમાં રશિયાનો સાથ આપ્યો છે અને તેને યુદ્ધ અથવા આક્રમણ તરીકે ઓળખવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ અમેરિકાએ ચીન પર ખોટા સમાચાર અને ખોટી માહિતી ફેલાવવામાં રશિયાની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. ચીન આ મુદ્દે અન્ય દેશોથી અલગ વર્તન કરી રહ્યું છે. એક તરફ તે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને શાંતિની વાત કરી રહ્યો છે તો બીજી તરફ તે આ દેશ પર હુમલો કરવા માટે રશિયાનું સમર્થન કરી રહ્યો છે.
તાઈવાન પર ચીનના હુમલાનો ડર વધી ગયો
ચીન દ્વારા આ રીતે રશિયાના સમર્થનથી ડર વધી ગયો છે કે, તે કોઈપણ સમયે તાઈવાન સાથે આવું કરી શકે છે. ચીન તાઈવાનને પોતાના અધિકારક્ષેત્ર તરીકે સ્વ-શાસિત દેશ માને છે અને યુક્રેન પર રશિયન આક્રમણ બાદથી એવી આશંકા સેવાઈ રહી છે કે જરૂર પડ્યે ચીન તાઈવાન પર કબજો કરવા માટે બળપ્રયોગ પણ કરી શકે છે. તાઈવાનના સંરક્ષણ પ્રધાન ચીઉ કુઓ ચેંગે ગુરુવારે કહ્યું હતું કે જો ચીન સાથે સંઘર્ષ થાય છે, તો પરિણામને ધ્યાનમાં લીધા વિના તે તમામ પક્ષો માટે વિનાશક હશે.
કોઈને યુદ્ધ નથી જોઈતું – તાઈવાન
તાઈવાનના સંરક્ષણ પ્રધાને પત્રકારોને કહ્યું, કોઈ પણ યુદ્ધ ઈચ્છતું નથી. તે જ સમયે, આ અઠવાડિયે બેઇજિંગમાં ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC) અને તેની સલાહકાર સંસ્થાની વાર્ષિક બેઠક દરમિયાન પ્રતિનિધિઓએ તાઈવાનમાં વિદેશી પ્રભાવ અને અલગતાવાદને દોષી ઠેરવ્યો અને તાઈવાનના સમર્થનનો વિરોધ કર્યો. ચીનની કાનૂની અને નાણાકીય શક્તિને વધારવા માટે. પીપલ્સ લિબરેશન આર્મીના પ્રવક્તા કર્નલ વુ ક્વિઆને NPCને કહ્યું, તાઈવાન સ્ટ્રેટમાં વર્તમાન તણાવ અને અશાંતિનું મૂળ કારણ અલગતાવાદી પ્રવૃત્તિઓ અને બાહ્ય દળો સાથે જોડાણ છે.