Breaking News: મિડલ ઈસ્ટમાં વિસ્ફોટક સ્થિતિ! બગદાદમાં અમેરિકી દૂતાવાસના હેલિપેડ પર મિસાઈલ પ્રહાર

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યો છે. શનિવારે બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર થયેલા મિસાઈલ હુમલા અને UAE માં ડ્રોન પડવાને કારણે લાગેલી આગે સમગ્ર વિશ્વમાં તેલ પુરવઠા અને સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. જાણો રણમેદાનની લેટેસ્ટ અપડેટ.

Breaking News: મિડલ ઈસ્ટમાં વિસ્ફોટક સ્થિતિ! બગદાદમાં અમેરિકી દૂતાવાસના હેલિપેડ પર મિસાઈલ પ્રહાર
Image Credit source: TV9 Network
| Updated on: Mar 14, 2026 | 8:35 PM

મિડલ ઈસ્ટમાં સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મળતી માહિતી અનુસાર શનિવાર, 14 માર્ચ 2026 ના રોજ ઈરાકની રાજધાની બગદાદમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. દૂતાવાસના હેલિપેડ પર મિસાઈલ પડતા જ આખું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું.

UAE માં ઓઈલ ફેસિલિટી ટાર્ગેટ થઈ?

બગદાદમાં હુમલો થયો તે જ સમયે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ પોર્ટ પાસે એક ઓઈલ ફેસિલિટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાનના એક ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યું હતું, જેનો કાટમાળ ઓઈલ પ્લાન્ટ પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની ‘ખાર્ગ આઇલેન્ડ’ પર કાર્યવાહી અને નવી ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે અમેરિકી સેનાએ ઈરાનના તેલ નિકાસના મુખ્ય કેન્દ્ર ગણાતા ‘ખાર્ગ આઇલેન્ડ’ ના સૈન્ય ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, “જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર હુમલા કરવાનું બંધ નહીં કરે, તો અમારો આગામી ટાર્ગેટ ઈરાનનું આખું ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે.”

વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ

ઈરાને વળતો જવાબ આપતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને અસરકારક રીતે બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ આ સમુદ્રી માર્ગે પસાર થાય છે. બીજી તરફ, અમેરિકાએ સ્થિતિને કાબૂમાં લેવા માટે મિડલ ઈસ્ટમાં વધારાના 2,500 મરીન સૈનિકો અને આધુનિક યુદ્ધજહાજો મોકલવાનો નિર્ણય કર્યો છે.

ઈરાનની સંસદના સ્પીકરે પણ અમેરિકી હુમલાઓનો વધુ જોરદાર જવાબ આપવાની ધમકી આપી છે, જેના કારણે આગામી દિવસોમાં યુદ્ધ વધુ ભયાનક બને તેવા સંકેતો મળી રહ્યા છે.

આ સસ્તા રિચાર્જ કરાવતા જ 3 મહિના સુધી Jio Hotstar મળશે બિલકુલ FREE, સાથે 50GB સુધીનો ડેટા પણ, વાંચવા માટે અહીં ક્લિક કરો