એક ડ્રગ્સના કારણે ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર લગાવ્યો ટેરિફ, જાણો શું છે સમગ્ર મામલો
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ફેન્ટાનાઇલ ડ્રગ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગેની રાષ્ટ્રીય કટોકટીનો અંત ન આવે ત્યાં સુધી આ ટેરિફ અમલમાં રહેશે. શું તમે જાણો છો કે ફેન્ટાનાઇલ ડ્રગ્સ શું છે ? અમેરિકામાં ફેન્ટાનાઇલ કટોકટી શું છે અને અમેરિકાએ ફેન્ટાનાઇલ ડ્રગ્સના કારણે આ દેશો પર કેમ ટેરિફ લગાવ્યો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા અને મેક્સિકોથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ચીન પર વધારાનો 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. ટેરિફ અંગે શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આ સમાચાર સામે આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ સપ્તાહના અંતે કેનેડા, મેક્સિકો અને ચીન પર નવા ટેરિફ લાદશે.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ફેન્ટાનાઇલ ડ્રગ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગેની રાષ્ટ્રીય કટોકટીનો અંત ન આવે ત્યાં સુધી આ ટેરિફ અમલમાં રહેશે. ટ્રમ્પ આ બંને મુદ્દાઓ પર ખૂબ જ સ્પષ્ટ રહ્યા છે. મોટાભાગના લોકો ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાથી વાકેફ છે. પણ શું તમે જાણો છો કે ફેન્ટાનાઇલ ડ્રગ્સ શું છે ? અમેરિકામાં ફેન્ટાનાઇલ કટોકટી શું છે અને અમેરિકાએ ફેન્ટાનાઇલ ડ્રગ્સના કારણે આ દેશો પર કેમ ટેરિફ લગાવ્યો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
મીડિયા રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે કેનેડાથી આવતા ઉર્જા ઉત્પાદનો પર 10 ટકા ડ્યુટી લાદવામાં આવશે. પરંતુ મેક્સીકન ઊર્જા આયાત પર સંપૂર્ણ 25 ટકા ડ્યુટી લાગશે. વ્હાઇટ હાઉસની ટેરિફ ફેક્ટ શીટ કહે છે કે તે કટોકટી સમાપ્ત થાય ત્યાં સુધી યથાવત રહેશે. પરંતુ તેમાં ત્રણેય દેશોએ રાહત મેળવવા માટે કયા પગલાં લેવા પડશે તેની વિગતો આપવામાં આવી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ?
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું છે કે, આજે મેં મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા અને ચીન પર વધારાનો 10 ટકા ટેરિફ લગાવ્યો છે. આ નિર્ણય ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે ગેરકાયદેસર ઇમિગ્રેશનના અને ફેન્ટાનાઇલ જેવા ઘાતક ડ્રગ્સના કારણે મારા દેશના નાગરિકો મોતને ભેટી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે આપણે અમેરિકનોનું રક્ષણ કરવાની જરૂર છે અને રાષ્ટ્રપતિ તરીકે મારી ફરજ છે કે હું દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરું. મેં મારા ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે હું ગેરકાયદેસર વિદેશીઓ અને ડ્રગ્સને આપણી સરહદોમાં આવતા અટકાવીશ, અને અમેરિકનોએ આ માટે મતદાન કર્યું છે.
અમેરિકા કેવી રીતે પહોંચે છે ફેન્ટાનાઇલ ?
ફેન્ટાનાઇલ વિશે વાત કરીએ તો, આ ડ્રગ્સનો સપ્લાયર ચીન છે, પણ તે સીધી રીતે અમેરિકામાં માલનો સપ્લાય કરતું નથી, તેનો મોટાભાગનો માલ મેક્સિકન અને કેનેડા સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવામાં આવે છે. આ જ કારણ છે કે અમેરિકાએ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યો છે, જેથી આ પ્રવૃત્તિ અટકી શકે.
ચીનમાં ગેરકાયદેસર રીતે કૃત્રિમ ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે ષડયંત્રના ભાગરૂપે અમેરિકા જેવા દેશોમાં મોકલવામાં આવી રહ્યું છે, જેથી ત્યાંના યુવાનો ડ્રગના વ્યસની બને અને અર્થતંત્ર તૂટી પડે. અમેરિકામાં આ ડ્રગ્સ લેવાના કારણે દરરોજ 200 લોકોના મોત થઈ રહ્યા છે, જે વાર્ષિક આંકડો 73 હજારથી વધુ છે.
ફેન્ટાનાઇલ ડ્રગ્સ શું છે ?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યુઝ (NIDA) અનુસાર, ફેન્ટાનાઇલ ડ્રગ્સ એક અત્યંત પાવરફૂલ સિંથેટિક પાઇપરિડાઇન ઓપીયોઇડ છે. તે હેરોઈન કરતાં 30 થી 50 ગણું વધુ પાવરફૂલ છે અને મોર્ફિન કરતાં 100 ગણું વધુ પાવરફૂલ છે. તે એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે, જેનો ગેરકાયદેસર ઉત્પાદન અને ઉપયોગ થાય છે.
મોર્ફિનની જેમ તે એક એવું ડ્રગ્સ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ગંભીર પીડા ધરાવતા દર્દીઓની સારવાર માટે થાય છે, ખાસ કરીને ઓપરેશન પછી. તેનો ઉપયોગ ક્યારેક એવા દર્દીઓની સારવાર માટે પણ થાય છે જેઓ ક્રોનિક પીડાથી પીડાય છે અને અન્ય ઓપીઓઇડ્સ પ્રત્યે શારીરિક રીતે સહનશીલ હોય છે.
લોકો ફેન્ટાનાઇલનો ઉપયોગ કેવી રીતે કરે છે ?
જ્યારે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે છે, ત્યારે ફેન્ટાનીલ ઇન્જેક્શન તરીકે વ્યક્તિની ત્વચા પર લગાવવામાં આવતા પેચ તરીકે અથવા તો લોઝેન્જ તરીકે આપી શકાય છે. ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા ફેન્ટાનીલ ઘણીવાર ઓવરડોઝનું કારણ બને છે. જે પ્રયોગશાળાઓમાં બનાવવામાં આવે છે. આ કૃત્રિમ ફેન્ટાનાઇલ ગેરકાયદેસર રીતે પાવડર સ્વરૂપમાં વેચાય છે. તેને બ્લોટર પેપર પર નાખવામાં આવે છે, આંખના ડ્રોપર્સ અને નાકના સ્પ્રેમાં નાખવામાં આવે છે અથવા એવી ગોળીઓ બનાવવામાં આવે છે જે અન્ય પ્રિસ્ક્રિપ્શન ઓપીઓઇડ્સ જેવી દેખાય છે.
ફેન્ટાનાઇલને અનેક ડ્રગ્લ સાથે ભેળવીને લેવામાં આવે છે, કારણ કે નશા વધુ આવે. એટલું જ નહીં જ્યારે તેને માદક દ્રવ્યોમાં ભેળવવામાં આવે છે, ત્યારે તેની કિંમત ઓછી થાય છે અને તે વધુ નશાનું કારણ બને છે. પરિણામે તેનું વ્યસન ધીમે ધીમે વધે છે અને માનવ જીવન માટે જોખમ પણ વધે છે. એટલા માટે તેનો ઉપયોગ ગુપ્ત રીતે વધી રહ્યો છે. તેને લેવાથી મગજ પર સીધી અસર પડે છે. જેનાથી એક વિચિત્ર પ્રકારની ખુશીનો અનુભવ થાય છે અને બેભાન થવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં ઉલટી થઈ શકે છે અને મૂંઝવણ થઈ શકે છે.
અમેરિકામાં ફેન્ટાનાઇલ ડ્રગ્સ એક મોટું સંકટ
અમેરિકામાં ડ્રગ્સ એક મોટો મુદ્દો છે, ખાસ કરીને ફેન્ટાનાઇલ ડ્રગ્સ એક મોટા સંકટ તરીકે ઉભરી આવ્યું છે. ફેન્ટાનાઇલ સંકટનો અંત લાવવો એટલો સરળ નહીં હોય. અમેરિકામાં ડ્રગ વ્યસનની સમસ્યા દાયકાઓથી ચાલી રહી છે. તે ફેન્ટાનાઇલના ઉદય પહેલાના ઘણા સમય પહેલાનું છે. ફક્ત ઓપીઓઇડ સંકટથી જ અમેરિકનોને દર વર્ષે અબજો ડોલરનો નુકશાન થાય છે.
ફેન્ટાનાઇલથી થતા મૃત્યુને રોકવામાં અગાઉની નીતિઓ નિષ્ફળ ગયા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ડ્રગ સમસ્યા સામે લડવા માટે બીજા સાધન તરફ વળ્યા છે. ટેરિફ એ આવા પગલાંમાંથી એક છે. પરંતુ ટ્રમ્પના આ પગલા પછી અમેરિકામાં ફેન્ટાનાઇલ સંકટ કેટલું સમાપ્ત થશે તે સમય જ કહેશે.
કેનેડા અને મેક્સિકોનો વળતો પ્રહાર
ટ્રમ્પની ટેરિફ જાહેરાત પછી હવે કેનેડા અને મેક્સિકોએ પણ વળતો પ્રહાર કર્યો છે. કેનેડાએ રવિવારે અમેરિકાથી આયાત થતી 155 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ટેક્સ લગાવ્યો છે. આ દરમિયાન મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે પણ તેમના નાણામંત્રીને દેશના હિતોનું રક્ષણ કરવા માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે હાલમાં કોઈ ટેરિફની જાહેરાત કરી નથી. પરંતુ તેણે ‘વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન’માં અમેરિકા વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. જો કે, ટ્રમ્પના આદેશમાં એક એવી પદ્ધતિ પણ છે, જો કોઈ દેશ અમેરિકા સામે બદલો લે તો તે ટેરિફ દરમાં વધારો કરી શકે છે.