Rahul Gandhi : અમેરિકા બાદ હવે રાહુલ ગાંધી પર જર્મનીએ આપી પ્રતિક્રિયા, ભારત પર કહી આ મોટી વાત
જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમારી માહિતી મુજબ રાહુલ ગાંધી આ નિર્ણય સામે અપીલ કરવાની સ્થિતિમાં છે. આ પછી સ્પષ્ટ થશે કે આ નિર્ણય યથાવત રહેશે કે કેમ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થયા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. તે જ સમયે, અન્ય દેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. US પછી, જર્મનીએ બુધવારે કહ્યું કે, માનહાનીના એક કેસમાં લોકસભામાં અયોગ્ય ઠેરવ્યા બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધીના મામલામાં ન્યાયિક સ્વતંત્રતા અને મૌલિક લોકતાંત્રીત સિદ્ધાતોના માનકો લાગુ થવા જોઈએ.
જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમારી માહિતી મુજબ રાહુલ ગાંધી આ નિર્ણય સામે અપીલ કરવાની સ્થિતિમાં છે. આ પછી તે સ્પષ્ટ થશે કે આ નિર્ણયને યથાવત રાખવામાં આવશે કે કેમ અને તેના આદેશને સસ્પેન્ડ કરવાનો કોઈ આધાર છે કે કેમ.
યુરોપિયન દેશની આ પ્રથમ પ્રતિક્રિયા
મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવક્તાએ કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો રાહુલ ગાંધી સામેની કાર્યવાહીમાં સમાન રીતે લાગુ થશે. રાહુલ ગાંધીના મામલામાં જર્મની કે અન્ય કોઈ યુરોપિયન દેશની આ પહેલી પ્રતિક્રિયા હતી. ભારતીય અધીકારીઓ તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
માનહાનિના કેસમાં રાહુલને સજા મળી
વાસ્તવમાં, કેરળના વાયનાડના સંસદસભ્ય ગાંધીને સુરતની અદાલતે મોદી અટક પર નિવેદન આપવા બદલ માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા હતા, જેમાં બે વર્ષની સજા બાદ તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે આ નિવેદન 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક જાહેર સભા દરમિયાન આપ્યું હતું. જણાવી દઈએ કે રાહુલ ગાંધી હાલ જામીન પર બહાર છે.
રાહુલ કેસ પર અમેરિકાની નજર
જર્મની પહેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે, અમેરિકા ભારતીય કોર્ટમાં રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યું છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીની સંસદમાંથી હકાલપટ્ટી લોકશાહી મૂલ્યો સાથે સુસંગત છે, ત્યારે વેદાંત પટેલે જવાબ આપ્યો કે કાયદાના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા પ્રત્યે આદર એ કોઈપણ લોકશાહીના પાયાના પથ્થરો છે.