કેમ બદલાયા વિજય રૂપાણી? જાણો ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં કોને કોને બદલ્યા?

વિજય રૂપાણી માટે કહેવાય છે કે તેમની સામે એક પણ આક્ષેપ થઈ શકે તેવી કામગીરી નથી કરી. સરળ અને મૃદુભાષી વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકેની ધાક અધિકારી વર્ગમાં હોવી જોઈએ તે નહોતી ઊભી કરી શક્યા

કેમ બદલાયા વિજય રૂપાણી? જાણો ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં કોને કોને બદલ્યા?
CM Vijay Rupani

મુખ્યપ્રધાન તરીકે બે ટર્મમાં થઈને કુલ પાંચ વર્ષ પૂરા કરનારા વિજય રૂપાણીને આખરે કેમ બદલવા પડ્યા તે સવાલ સૌથી મોટો અને મહત્વનો છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેશુભાઈ પટેલ, આનંદીબહેન પટેલ અને હવે વિજય રૂપાણીને મુખ્યપ્રધાન પદેથી ભાજપે બદલ્યા છે.

 

વિજય રૂપાણી માટે કહેવાય છે કે તેમની સામે એક પણ આક્ષેપ થઈ શકે તેવી કામગીરી નથી કરી. સરળ અને મૃદુભાષી વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકેની ધાક અધિકારી વર્ગમાં હોવી જોઈએ તે નહોતી ઊભી કરી શક્યા તેના કારણે ભાજપની સરકારને બદલે અધિકારીઓની સરકાર હોવાની છાપ ઉપસી રહી હતી.

 

જ્યારે બીજી બાજુ એવુ પણ કહેવાય છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ સાથે વિજય રૂપાણી સંકલન ના કરી શક્યા, પરિણામે સરકાર અને સંગઠન વચ્ચે અંતર વધતુ રહ્યું. સામાન્ય રીતે સરકાર દ્વારા લેવાતા નિર્ણય પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી સંગઠનની હોય છે અને સંગઠનને મળતા ફિડબેકના આધારે સરકારને યોગ્ય નિર્ણયો લેવાના હોય છે. આ બન્ને કામગીરીમાં ગુજરાત ભાજપ નબળુ પૂરવાર થઈ રહ્યુ હતુ.

પાટીદારના સહારે મજબૂત થતા આપને અટકાવવાની રણનીતિ

રાજકીય સ્તરે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મહાનગરમાં સારો દેખાવ કર્યો હતો. ત્યારબાદ આપ દ્વારા પાટીદારોને ગુજરાતના રાજકારણની પ્રથમ હરોળમાં લાવવા માટેનો પ્રયાસ આદરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્યસ્તરે આપ દ્વારા સભાઓ પણ આયોજીત કરી દેવામાં આવી હતી.

બીજી બાજુ પાટીદાર સમાજના અગ્રણીઓ દબાયેલા સુરમાં ભાજપને બદલે આપની વાત પણ કરતા થયા હતા. જેનો સ્પષ્ટ અર્થ એવો થઈ રહ્યો હતો કે 2022માં આપ પાટીદારોના ખભા ઉપર બેસીને વિધાનસભાની ચૂંટણી લડવા માંગતુ હતુ. વિજય રૂપાણીની નબળી કામગીરીથી આપને મજબૂત થતા રોકવા અને 2022માં પણ ગુજરાતમાં સત્તા સ્થાપવા માટે ભાજપના મોવડી મંડળે નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હવે શું?

આમ તો વિજય રૂપાણીના સ્થાને કોણ મુખ્યપ્રધાન બનશે તે પહેલાથી જ ભાજપના હાઈકમાન્ડે નક્કી કરી રાખ્યુ હશે. પરંતુ બધુ સમુસુતરુ ઉતરે તે માટે હાઈકમાન્ડ વિજય રૂપાણીના ઉતરાધિકારીના નામની જાહેરાત કરવામાં થોડો સમય લેશે. માનવામાં આવે છે કે વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાંથી આવતા હોવાથી તેમના સ્થાને સૌરાષ્ટ્રમાંથી જ કોઈને જવાબદારી સોંપવામાં આવી શકે છે.

જો કે મુખ્યપ્રધાન માટે નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ગોરઘન ઝડફિયા અને સી આર પાટીલના નામ હાલ ચર્ચામાં છે. હાલમાં ચર્ચાતા પાટીદાર નામ પૈકી ત્રણ સૌરાષ્ટમાંથી આવી રહ્યા છે. જ્યારે સી આર પાટીલ સુરતમાંથી આવી રહ્યા છે તો નીતિન પટેલ ઉતર ગુજરાતમાંથી આવી રહ્યાં છે.

 

ભાજપે ગુજરાતમાં કોને કોને બદલ્યા?

ગુજરાતમાં ભાજપે 90ના દાયકામાં સત્તા સંભાળી. ત્યારબાદથી લઈને અત્યાર સુધીમા ભાજપે અનેક મુખ્યપ્રધાનોને બદલ્યા છે. સૌ પ્રથમ કેશુભાઈ પટેલને ભાજપના આંતરીક વિખવાદમાં શંકરસિંહ વાઘેલાને લઈને બદલવા પડ્યા હતા તો ધરતીકંપ બાદની કામગીરી નબળી હોવાના મુદ્દે ફરીથી કેશુભાઈને 2001માં બદલવામાં આવ્યા હતા.

ત્યારબાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમના સ્થાને મુખ્યપ્રધાન બનેલા આનંદીબહેનને પણ બદલી નાખવામાં આવ્યા હતા અને તેમના સ્થાને વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા અને હવે વિજય રૂપાણીને પણ બદલવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: શું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બનશે ગુજરાતના સીએમનો નવો ચહેરો ? જુઓ માંડવિયાની રાજકીય સફર

 

આ પણ વાંચો:  ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાનું નામ પણ સીએમની રેસમાં અગ્રેસર, જાણો તેમની રાજકીય સફર 

Click on your DTH Provider to Add TV9 Gujarati