નર્મદાના સાગબારાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ, જુઓ Video
નર્મદાના સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન મળતા તેમણે ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જ શાબ્દિક યુધ્ધ. વસાવાએ ખર્ચ પર સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી વિકાસ કાર્યક્રમના હિસાબને અપમાન ગણાવ્યો.
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સ્ટેજ પર જ શાબ્દિક યુધ્ધ થયુ. ચૈતર વસાવાએ તેમને કાર્યક્રમ માટે આમંત્રણ ન મળવા અને સરકારી ખર્ચના હિસાબ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
ચૈતર વસાવાએ સ્ટેજ પરથી જ કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓને સંબોધીને કહ્યું કે, “હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, ભાઈ, મને કેમ કોઈએ ફોન પણ ન કર્યો કે પત્રિકા પણ નહીં? આ મારું અપમાન નથી, આ મારી જનતાનું અપમાન છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ સવાલ પૂછે છે એટલે તેમને બોલાવવામાં આવતા નથી. વસાવાએ અધિકારીઓને જનતાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા નોકર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ તરીકે અધિકારીઓ પાસેથી જવાબ માંગી શકે છે. તેમના સમર્થકોએ પણ નારા લગાવ્યા હતા, જેના કારણે ભાજપના હોદ્દેદારોએ તેમને ભાષણ બંધ કરવા કહ્યું હતું. આ ઘટના સમયે રાજ્યના પ્રધાન નરેશ પટેલ પણ સ્ટેજ પર ઉપસ્થિત હતા.
ચૈતર વસાવાના આક્ષેપો અને સવાલોના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના કાર્યક્રમોમાં ખર્ચ થવો સ્વાભાવિક છે અને આદિવાસી વિકાસના કાર્યક્રમો માટે હિસાબ માંગવામાં વાંધો નથી, પરંતુ વારંવાર હિસાબ માંગવો એ આદિવાસી સમાજનું અપમાન છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે, કેવડિયા કે ડેડિયાપાડા જેવા કાર્યક્રમો કોઈ રાજનીતિ કરવા માટે બન્યા નથી. તેમણે ઉમેર્યું કે, આવા કાર્યક્રમો આદિવાસી વિસ્તારના લોકોને ભોજન કરાવવા, સુવિધાઓ આપવા અને લાવવા-લઈ જવાની વ્યવસ્થા પૂરી પાડવા માટે હોય છે. તેમણે કોઈપણ ટીકા-ટિપ્પણીમાં રસ ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ સમાજમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો તેને દૂર કરવી એ તેમની ફરજ હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો