વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ, 43 બેઠકો પર ત્રિપાંખીયા જંગમાં કોણ મારી જશે બાજી?
Vapi Election: વાપી નગરપાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં 1 બેઠક પર ભાજપ બિનહરીફ છે. તો આજે તેમના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે.
Valsad: આજે વાપી નગરપાલિકાની ચૂંટણીનું (Vapi nagarpalika election) પરિણામ જાહેર થશે. વાપીના 11 વોર્ડની કુલ 44 માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં 109 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. 1 બેઠક પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ થયું હતું. ચૂંટણી બાદ ભાજપ (BJP) તમામ 44 બેઠકો જીત મેળવી કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરશે તેવો દાવો કરી રહ્યું છે. તો કોંગ્રેસ (Congress) પણ સામે પક્ષે જીત મેળવશે તેવો દાવો કરી રહ્યું છે. તો પ્રથમ વખત આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારો પણ મેદાને છે ત્યારે વાપી નગરપાલિકામાં સત્તાની ધૂરા કોણ સંભાળશે એ પરિણામ બાદ સ્પષ્ટ થશે.
જણાવી દઈએ એક વાપી નગરપાલિકાની ચૂંટણી (Election) માટે 28 નવેમ્બરે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂ્ર્ણ થયું હતું. તો પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 55 ટકા મતદાન થયુ હતું. આ દમિયાન 129 બુથો પરથી મતદાન યોજાયુ હતુ. જેમાં 28 બુથો સંવેદનશીલ હોવાથી શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વાપી શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણી પ્રચારમા તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવા પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. આ વખતે વાપી નગરપાલિકા વિસ્તારના 1 લાખ 2 હજાર મતદારોમાં 15 હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા હતા. જેમાં 15 ટકાથી વધુ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા હતા.
ત્યારે આ નવા મતદારોને રિઝવવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. યુવાવર્ગને આકર્ષવા માટે સોશિયલ મીડિયા થકી ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો. વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી રાજકીય પાર્ટીઓ યુવા મતદારો સુધી પહોંચી હતી. જેના પગલે આ વખતની ચુંટણીમાં યુવા મતદારોના મત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Tapi: પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે LRD ની ટ્રેનિંગ માટે આવ્યો હતો યુવાન, આ દરમિયાન મોત થતા ચકચાર