VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થા ઓએસીસ સામે તપાસના આદેશ અપાયા
ઓએસીસ સંસ્થા સામે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અને ક્રાઈમબ્રાંચના ACP ડી.એસ. ચૌહાણને કેસની તપાસ સોંપવામાં આવી છે.
VADODARA : વડોદરામાં નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ભોગ બનનાર યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે ઓએસીસ સંસ્થા સામે તપાસના આદેશ અપાયા છે. ઓએસીસ સંસ્થા સામે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અને ક્રાઈમબ્રાંચના ACP ડી.એસ. ચૌહાણને કેસની તપાસ સોંપવામાં આવી છે. ઓએસીસ સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા થયેલી રજૂઆત બાદ આ આદેશ આપવામાં આવ્યાં છે.
વડોદરામાં યુવતીની આત્મહત્યા તથા દુષ્કર્મ કેસમાં ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરીને ઘટનાની જાણ હોવા છતાં ઢાંકપિછોડ કર્યો હતો. પોલીસને તેમજ પીડિતાના પરિવારને આ ઘટનાની જાણ નહીં કરતા સંસ્થા પણ શંકાના દાયરામાં આવી છે.આથી પોલીસ કમિશનરે સંસ્થા સામે તપાસના આદેશ કર્યા છે.
નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે.
નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. એવામાં ઓએસીસ સંસ્થા ફરી એકવાર વિવાદમાં આવતા સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં ચોંકાવનારી ઘટના : મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું એક મહિનાનું બાળક
આ પણ વાંચો : SURAT : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી”