ગુજરાતના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવા દેશમાં પ્રથમવાર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, જાણો કેવી રીતે
મુજપુર ગામ નજીક ગંભીરા બ્રિજ પર ટેન્કર અટવાયેલું છે, જે 21 લોકોના મોતનું કારણ બન્યું હતું. 25 દિવસ બાદ, સરકારે ટેન્કર દૂર કરવા માટે એર બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

મુજપુર ગામ નજીક આવેલા ગંભીરા બ્રિજનું 9 જુલાઈએ વહેલી સવારે થયેલું પલાણું દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. આજે આ ઘટનાને 25 દિવસ વીતી ગયા છે, છતાં ટેન્કર હજી પણ બ્રિજ પર જ અટવાયેલું છે. હવે તેને ઉતારવા માટે સરકારએ એક નવીન ટેક્નિકનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે – “એર બલૂન ટેકનોલોજી”.
આ અનોખું ઓપરેશન પોરબંદરની વિશેષજ્ઞ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે અને કદાચ સમગ્ર ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રયાસ હશે.
શું છે આ એર બલૂન ટેક્નોલોજી?
આ ટેક્નોલોજી “આર્કિમિડીસના સિદ્ધાંત” પર આધારિત છે, જેમાં બલૂનને નદીના પટમાં મૂકીને તેના અંદર પ્રોપેન ગેસ ભરવામાં આવે છે. ગેસથી ભરેલું બલૂન ઊભું થતું જાય છે અને તે ટેન્કરને ધીમે ધીમે ઉપાડી લે છે. ત્યારબાદ દોરડા વડે તેને નિર્ધારિત સ્થાને હળવે રીતે ઉતારવામાં આવે છે.
ટૂંકમાં ટેકનિકલ વિગતો
મહત્વનું છે કે, હવામાં કોઈ પણ વસ્તુ ઉઠાવવા માટે બલૂનના ઉડાનની ક્ષમતા તે વસ્તૂના વજન કરતા વધુ હોવી જરૂરી છે. મિકેનિકલ વિભાગના નિષ્ણાત ડૉ. નીકુલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ ઓપરેશનમાં બે બલૂનનો ઉપયોગ થવાનો છે જેથી સ્ટેબિલિટી જળવાઈ રહે અને અકસ્માતની શક્યતાઓ ટળી શકે.
બલૂન ટેકનોલોજી અગાઉ કોઈ ભારતીય ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવી હોય એવું કોઈ નોંધપાત્ર ઉદાહરણ નથી, જેથી આ દ્રષ્ટિએ પણ આ ઓપરેશન ખાસ બનતું જાય છે.
આણંદ કલેક્ટરની પુષ્ટિ
આણંદના કલેક્ટર પ્રવિણ ચૌધરીના જણાવ્યા અનુસાર, પોરબંદરની વિશિષ્ટ મરીન રિસ્ક મૅનેજમેન્ટ ટીમ દ્વારા આ ઓપરેશન કરવામાં આવશે. ટેન્કર જેટલી ડેલીકેટ પોઝિશનમાં છે, ત્યાં ક્રેન અથવા અન્ય ભારવહન સાધનો ઉપયોગી બની શકે તેમ નથી. તેથી ન્યૂમેટિક બલૂન, હાઇડ્રોલિક ડ્રીવન સ્ટ્રેન્જ જેક અને હ્યુમેટિક રોલર બેગ જેવી ટેકનિકનો સહારો લેવામાં આવશે.
સુરક્ષા રહેશે સર્વોચ્ચ પ્રાથમિકતા
આ ઓપરેશન બ્રિજ પર કોઈ પણ માણસને મોકલ્યા વિના કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન સુરક્ષાને લગતી દરેક બાબતમાં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
