કોરોનાની(Corona) સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને વડોદરાની(Vadodara) સયાજી હોસ્પિટલના(Sayaji Hospital) પ્રસૂતિ વિભાગે(Maternity Ward) પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના સમયે જ સંક્રમિત જણાય તો સલામત સુવાવડ કરાવવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ તકેદારીના ભાગરૂપે કરી લીધી છે.
કોરોનાની શહેરમાં શરૂઆત થઈ ત્યારે પહેલા કેસોમાં જ સગર્ભાઓનો સમાવેશ થતો હતો અને આ રોગ સાવ અજાણ્યો હતો ત્યારે જ સંક્રમિત મહિલાઓની સારવાર અને સુવાવડનો પડકાર આ વિભાગે ઝીલ્યો હતો.
હવે પહેલી અને બીજી લહેરોનો અનુભવ અને સાવચેતી સંભવિત ત્રીજી લહેરના સંક્રમિત બહેનોની સલામત પ્રસૂતિ કરાવવાના પડકારોને પહોંચી વળવામાં ચોક્કસ મદદરૂપ બનશે તેવી લાગણી સયાજી હોસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.આશિષ ગોખલેએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે માનવ સંપદાને તાલીમ,લેબર રૂમ,ઓટી, આઇસોલેશન વોર્ડ, આઇ.સી.યુ.સહિતની આવશ્યક સુવિધાઓ તૈયાર છે.
તેમણે જણાવ્યું કે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોન એમ બે વેરિયન્ટ છે.પણ બંનેની સિમ્પટોમેટોલોજી અને પ્રોટોકોલમાં વિશેષ ફરક નથી.નિર્ધારિત ચેપ નિવારક તકેદારીઓ બંનેમાં રાખવાની છે.સદભાગ્યે અત્યાર સુધી એક પણ સગર્ભા સંક્રમિત થઈ નથી.
અમે પ્રસૂતિ વિભાગના ભોંય તળિયે ૧૫ + પથારીઓની આ માટે જુદી સુવિધા રાખી છે. આઇસીયુ અને લેબર રૂમની પણ અલાયદી સગવડ છે.અમે નોન કોવિડ પ્રસુતિની કામગીરી ચાલુ રાખીને કોવિડ પ્રસુતિને પણ હેન્ડલ કરીએ છે.અમારી પાસે અનુભવી અને સમર્પિત તબીબો,નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફની ટીમ છે.
લક્ષણો સાથે કોઈ સગર્ભા આવે તો તુરત જ પ્રોટોકોલ અનુસરી સંપૂર્ણ સાવચેતી સાથે સ્ક્રીનીંગથી લઈને સારવાર શરુ કરવામાં આવશે. યાદ રહે કે કોવિડની પહેલી બે લહેર દરમિયાન સંક્રમિત સગર્ભાઓની સારવાર અને સલામત સુવાવડની ખાનગી દવાખાનાઓમાં સુવિધા લગભગ હતી જ નહિ. આવા કેસોમાં સરકારી સયાજી અને ગોત્રી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં.બીજી લહેરના અંત ભાગે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તેની સુવિધા ઉપલબ્ધ થઈ.
જો કે તે સામાન્ય પરિવારોને પોસાય તેવી ન હતી.જ્યારે ઉપરોક્ત બંને સરકારી દવાખાનાઓમાં લગભગ વિનામૂલ્યે સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પિતતા સાથે કરવામાં આવી છે જેની અવશ્ય નોંધ લેવી પડે.તાજેતરમાં પૂરા થયેલા સન ૨૦૨૧ના વર્ષમાં આ સરકારી આરોગ્ય કેન્દ્રમાં અંદાજે ૬૫૦૦ + સુવાવડ કરાવવામાં આવી છે.મોટેભાગે મધ્યમ અને ગરીબ વર્ગોના પરિવારો માટે અહીની સુવિધા આશીર્વાદ રૂપ છે.
મેડિકલ ફિલ્ડ એ નિતનવા પડકારોથી ભરેલું છે. ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠલાની કહેવતને સાચી ઠેરવતા તબીબ અને આરોગ્ય સમુદાય નીત નવા રોગોની નવી સારવાર શોધે છે અને લોકોની આરોગ્ય રક્ષા કરે છે. કોવિડ એની જ એક કડી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ, સાત દિવસમાં બે લાખ કિશોરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક
આ પણ વાંચો : પોલીસ મહિલાઓને ‘ખાનગી’માં પૂછે છે, ‘જાહેર’માં ક્યાં નથી ગમતુ?