CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત
રાજ્યના સામાન્ય માનવીને ઘર આંગણે લાભ આપનારા સેવાસેતુ કાર્યક્રમો ફરી સમગ્ર ગુજરાતમાં થવાના છે. આ જનહિતમાં નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. લોકોની સમસ્યા અને રજૂઆત પારદર્શી અને વેગવંતી બને તે માટે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ અગાઉ ચાલુ હતો. વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન ૬ તબક્કામાં કાર્યક્રમ થયો હતો.
જ્યારે CM ના નિર્ણય અનુસાર રાજ્યમાં ૨૨ ઓકટોબર ર૦ર૧ થી પ જાન્યુઆરી ર૦રર સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ કાર્યક્રમોમાં સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ સ્થળમાં યોજવામાં આવેલા કેમ્પમાં જ પૂરી પાડવામાં આવશે.
સેવાસેતુ કાર્યક્રમમાં ગામડાઓમાં અને શહેરોમાં નક્કી કરેલા સ્થળોએ કેમ્પ યોજવામાં આવે છે. તેમજ આ બાદ ત્યાં જ વ્યક્તિની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે. આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ, નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.
સેવાસેતુ કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. સાથે જ સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ યોગ્ય વ્યવસ્થા કરાશે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આ આયોજનથી ર.૩૦ કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. હવે સાતમાં તબક્કે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે આશા છે કે પ્રજાના પ્રશ્નોનું નિરાકણ આવશે.
આ પણ વાંચો: રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં 5 કલેકટરને ઉધડા લીધા