હોળીની જાળ પરથી વર્ષનો વરતારો નક્કી કરવાનું પ્રાચીન વિજ્ઞાન, જેનાથી થાય છે ચોમાસુ, દુષ્કાળ અને દેશના ભાગ્યની આગાહી

આપણે ત્યાં હોળીવી જાળ પરથી આખા વર્ષનો વરતારો નક્કી કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. જેમા જે દિશાનો પ્રવન હોય એ દિશામાં હોળીની જ્વાળા જાય છે અને એ દિશા પરથી નક્કી થાય છે કે આખુ વર્ષ કેવુ રહેશે. જ્યોતિષીઓ અને લોકમાન્યતાઓ અનુસાર હોળીની જ્વાળા જે દિશામાં નમે તેના આધારે આ વર્ષે ચોમાસુ સારુ રહેશે દુષ્કાળ પડશે તે નક્કી થાય છે. જેનાથી ખેડૂતોને ખેતી માટે પાકનો અંદાજ લગાવવામાં મદદ મળે છે. ખેતી અને ધંધા માટે વર્ષ કેવુ રહેશે? વર્ષ દરમિયાન સૂર્ય અને ચંદ્રગ્રહણની શું અસર થશે? એ આગાહી હોળીની જાળ પરથી નક્કી કરવામાં આવે છે.

હોળીની જાળ પરથી વર્ષનો વરતારો નક્કી કરવાનું પ્રાચીન વિજ્ઞાન, જેનાથી થાય છે ચોમાસુ, દુષ્કાળ અને દેશના ભાગ્યની આગાહી
| Edited By: | Updated on: Mar 02, 2026 | 8:33 PM

હોળી માત્ર રંગોનો તહેવાર નથી, ભારતીય સનાતન સંસ્કૃતિમાં તે પ્રકૃતિ, કૃષિ અને લોકોની આસ્થા સાથે ગાઢ નાતો ધરાવતો ઉત્સવ છે. હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ખાસ તેની જ્વાળા પરથી સમગ્ર વર્ષનો વરતારો નક્કી કરવાની પરંપરા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ હોળી પ્રગટાવ્યા પછી જ્યોતિષીઓ દ્વારા જુના જમાનાના વડીલો દ્વારા આગની જ્વાળાની દિશા, ઊંચાઈ અને તેજ પરથી સમગ્ર વર્ષના વરતારા વિશે આગાહી કરવામાં આવે છે. આ લોકમાન્યતા લેશમાત્ર પણ અંધશ્રદ્ધા નો ભાગ નથી, જુના જમાનાના વડીલો દ્વારા તે સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.  જે લોકોની કોઠા સૂજ, સમજણ, લોકજ્ઞાન અને ખેતીપ્રધાન જીવનશૈલીને આધારે ચાલી આવે છે.

પ્રાચીન સમયમાં જ્યારે હવામાન વિભાગ કે આધુનિક આગાહી માટેની ટેકનોલોજી ઉપલબ્ધ ન હતી, ત્યારે ખેડૂતો આવા કુદરતી સંકેતો પરથી જ પોતાના ખેત ઉત્પાદન અને પાક અંગે નિર્ણયો લેતા હતા. પવનની દિશા, વાદળોની ગતિ, પંખીઓનું વર્તન અને ઋતુચક્રમાં થતા સૂક્ષ્મ ફેરફારોનું નિરીક્ષણ કરવામાં આવતું હતુ. હોળીની જ્વાળા પણ એ જ પ્રકારનું એક પ્રતિકાત્મક માધ્યમ છે. માન્યતા છે કે હોળી દહન સમયે પવન અને વાતાવરણની સ્થિતિ ચાલુ વર્ષના ચોમાસુ કેવુ રહેશે તેનો સંકેત આપે છે.  આગની જ્વાળાની દિશા એ પવનની ગતિ સાથે સંકળાયેલી હોય છે. તેથી જ્વાળાનું વલણ કૃષિ અને વરસાદ સાથે જોડીને જોવામાં આવે છે.

જવાળા પૂર્વ દિશા તરફ વહે તો….

પૂર્વ દિશા તરફ જ્વાળા નમે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા સૂર્યોદયની દિશા છે, નવી શરૂઆત અને ઉર્જાનું પ્રતિક છે. માન્યતા છે કે આવી સ્થિતિમાં ચોમાસું સમયસર બેસે છે, વરસાદ સમતોલ. મધ્યમ અને લાભદાયક રહે છે. ખેતી માટે આ પરિસ્થિતિ અનુકૂળ માનવામાં આવે છે, ખાસ કરીને કપાસ, મગફળી અને ધાન જેવા પાક માટે વર્ષ સારુ રહે છે. ખેડૂતોને આટલા સંકેત મળ્યા બાદ તેને ક્યો પાક વાવવો તે માટેના સારા વિકલ્પો પસંદ કરી શકે છે. જેના કારણે નુકસાનીને ટાળી શકાય છે. છે.

પશ્ચિમ દિશા તરફ જ્વાળા નમે તો?

પશ્ચિમ દિશા તરફ જ્વાળા જાય તો વર્ષ મિશ્ર રહેવાની માન્યતા છે. પશ્ચિમ દિશા ઘણીવાર બદલાતા પવન અને અનિશ્ચિતતા સાથે જોડાયેલી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક વિરામવાળો વરસાદ જોવા મળે છે. ખેતીમાં જોખમનું પ્રમાણ રહે છે. ખેડૂતો પાકમાં ફેરબદલ કરવાનો વિચાર કરે છે. એક જ પાક પર નિર્ભર રહેવા બદલે બે-ત્રણ અલગ પાક વાવવાનું આયોજન કરે છે. વેપાર-ધંધામાં પણ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે.

ઉત્તર દિશા તરફની જ્વાળા શું સૂચવે છે?

ઉત્તર દિશા તરફ જ્વાળા વહે તો તેને શ્રેષ્ઠ સંકેત ગણવામાં આવે છે. ઉત્તર દિશાને સમૃદ્ધિ અને ધનની દિશા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પાક ઉત્પાદન સારુ રહેવાની માન્યતા છે. વરસાદ પ્રમાણસર અને પાક માટે અનુકૂળ રહે છે. લોકોના આરોગ્યમાં સુધારો અને રોગચાળાની ભીતિ ઓછી રહે એવી લોકધારણા છે. આ સંકેતને આધારે ગામમાં ખુશીની લાગણી ફેલાય છે અને કૃષિ સાથે જોડાયેલા વ્યવસાયોમાં પણ સકારાત્મકતા આવે છે.

જો જ્વાળા આકાશ તરફ વહે તો?

જો જ્વાળા સીધી આકાશ તરફ ઉંચી અને સ્થિર જાય, તો તે દેશની  પ્રગતિ સૂચવે છે. દેશની આર્થિક સ્થિતિ મજબૂત રહે, સામાજિક સુમેળ જળવાય અને વિકાસના નવા માર્ગ ખુલે તેવી આશા રાખવામાં આવે છે. આ પ્રકારની જ્વાળા સ્થિર પવન અને શુદ્ધ વાતાવરણનો સંકેત પણ આપી શકે છે, જે કૃષિ માટે અનુકૂળ પરિસ્થિતિ દર્શાવે છે.

ગ્રહણ સાથે જ્વાળાનો શું સંબંધ?

હોળીની જ્વાળાને ગ્રહણો સાથે પણ જોડવામાં આવે છે. વર્ષ દરમિયાન થનારા સૂર્ય અને ચંદ્રગ્રહણની અસર વિશે જ્યોતિષીઓ આગાહી કરે છે. જો હોળી દહન સમયે જ્વાળા અસ્થિર, કાળા ધુમાડાવાળી કે તૂટી પડતી હોય, તો તેને અશાંતિ કે પ્રાકૃતિક આફતોનો સંકેત માનવામાં આવે છે. બીજી તરફ, સ્વચ્છ અને તેજસ્વી જ્વાળા ગ્રહોની અનુકૂળ સ્થિતિનું પ્રતિક માનવામાં આવે છે. આ માન્યતાઓ ભલે વૈજ્ઞાનિક રીતે સાબિત ન હોય, પરંતુ લોકોના મનોબળ અને સામૂહિક માનસિકતાને પ્રભાવિત કરે છે.

આ પરંપરાની પાછળ મનોવૈજ્ઞાનિક પરિબળો પણ કાર્યરત છે.  ધરતીપુત્રો માટે આશા જ સૌથી મોટું બળ છે. સકારાત્મક સંકેત મળવાથી તેઓ વધુ ઉત્સાહથી મહેનત કરે છે, જ્યારે મિશ્ર સંકેત મળ્યા બાદ સાવચેતી રાખે છે. આ રીતે હોળીની જ્વાળા માત્ર આગાહી નથી, પરંતુ સામૂહિક આયોજનનું સાધન બની જાય છે.

આધુનિક સમયમાં હવામાન વિભાગ, સેટેલાઈટ તસવીરો અને વૈજ્ઞાનિક વિશ્લેષણ ઉપલબ્ધ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા જીવંત છે. કારણ કે તે માત્ર ભવિષ્યવાણી નથી, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને પરંપરાનો અભિન્ન ભાગ છે. હોળી પ્રગટાવ્યા  પછી રાખને ખેતરમાં નાખવાની પણ પરંપરા છે, જેને પવિત્ર અને શુદ્ધિકારક માનવામાં આવે છે. ઘણા ખેડૂતોનું માનવુ છે કે તે જમીનની ફળદ્રુપતા લાવવામાં પણ ઉપયોગી છે.

 હોળીની જ્વાળાની દિશા પરથી વર્ષનો વરતારો નક્કી કરવાની પરંપરા ખેતીપ્રધાન દેશની ધરોહર છે. જે  પ્રકૃતિ સાથે તાલ મિલાવી માનવીય સંબંધને વ્યક્ત કરે છે. ભલે આજના યુગમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ વધુ વિશ્વસનીય હોય, છતાં આ લોકમાન્યતાઓમાં સમાયેલું સામૂહિક જ્ઞાન, આશા અને સંસ્કૃતિનું મૂલ્ય અદ્વિતીય છે. હોળીની જ્વાળા આપણને માત્ર પ્રકાશ જ નથી આપતી, પરંતુ ભવિષ્ય માટે વિશ્વાસ અને નવી શરૂઆતની પ્રેરણા પણ આપે છે.

આ કારણે પ્રગટાવવામાં આવે છે હોળી

હોળી પ્રગટાવવા પાછળ પૌરાણિક કથા રહેલી છે.  જે અનુસાર,  અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાનમા વસ્ત્ર મળ્યું હતું, જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે છે, જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ આપે છે. આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો. તેણે જોયું કે, અસહ્ય ત્રાસ આપવા છતાં પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી નથી રહ્યો, તેથી તેની હત્યા કરવાનો નિર્ણય લીધો. જેમાં લાકડાના ઢગલાં પર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવવા બેસી ગઈ. પરંતુ હોળીની જવાળામાં પવનના વેગથી હોલિકાનુ વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો, જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે. અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ. જેના કારણે માનવી પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મક વૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશ મુક્ત થાય છે, તે હેતુથી હોળીની જ્વાળામાં આ વૃતિના નાશ હેતુ હોળી પ્રાગટ્ય કરાય છે.

ફરી એકસાથે દેખાયા સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, 13 દિવસમાં બીજી મુલાકાત- Video

Published On - 8:32 pm, Mon, 2 March 26