Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર
ચોરી થયેલા માલસામાનની કિમત અંદાજે 40 લાખથી 60 લાખ છે. પોલીસે શંકા સેવી હતી કે આ મોટી ચોરીમાં રાજ મહેલમાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા છતાં એકપણ સીસીટીવીમાં તસ્કરો નહીં દેખાતા કોઇ જાણભેદુ પણ હોઇ શકે.
સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લાના લીંબડી (Limbdi ) માં આવેલા રાજ મહેલ (Raj Mahal) માં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમ (storageroom) માંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર થઇ ગયા છે. અંદાજે 56 કિલો ચાંદીના વાસણો તેમજ એન્ટિક (antique) 45 વસ્તુઓની ચોરી થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ઝાલાવાડ પંથકમાં અનેક નાના મોટા રજવાડાઓ આવેલા છે અને આ રાજવીઓ પાસે હાલ પણ રાજ મહેલમાં અમુલ્ય ચીજ વસ્તુઓનો ખજાનો ભરેલો છે. અનેક એન્ટીક વસ્તુઓ જે કિમતમાં ન આકી શકાય તેવી કિંમતી વસ્તુઓ પડી છે. ઝાલાવાડ પંથકમાં જો વાત કરવામાં આવે તો વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, સહિત અનેક જગ્યાએ હજુ રાજાશાહી વખતના મહેલો ઉભા છે. રાજવી કુટુંબોના વારસદારો તેમાં વસવાટ કરે છે અને તેઓની પાસે અઢળક સંપતીઓ ધરબાયેલી છે. અગાઉ ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર રાજ મહેલમાં પણ તસ્કરોએ હાથફેરો કરી કિંમતી માલ સામનની ચોરી કરી હતી. રાજ મહેલોમાં કોઇ ચોરી કરતી ગેંગ પણ સક્રીય હોઇ શકે અને આ રજવાડાના કિંમતી માલ સામાનની ચોરી કરી વિદેશમાં એન્ટિક વસ્તુઓ વેચાણ કરતા હોય તેવી શક્યતા છે.
લીંબડીની વચ્ચે આવેલ રાજ મહેલમાં પાછળની બારી તોડી અને તસ્કરોએ આવી કિંમતી અને જૂનવાણી વસ્તુઓની ચોરી કરી ફરાર થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડ, ફીગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઈ અને ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. લીંબડી પોલીસમાં લીંબડી રાજવીના સંચાલન કરતા નટુભા ઝાલાએ ફરીયાદ કરતા ફરીયાદમાં કોઇ અજાણ્યા તસ્કરોએ ગ્રાઉન્ડ ફલોરની બારી તિક્ષ્ણ હથિયારથી તોડી અને સતત અગીયાર દિવસ સુધી બંધ રાખવામાં આવેલ દશ રૂમના તાળા તોડી અને પતરાની પેટીમાં રાખવામાં આવેલ 56 કિલો સુધ્ધ ચાંદી, રાજશાહી વખતના એન્ટિક બે નંગ રેડીયો, હાર્મોનિયમ, બેન્જો, ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, ફોટોફ્રેમ, પલંગ પાયા, સહિતની ચોરી કરી ફરાર થયા હોવાની ફરિયાદ આપી હતી.
ચોરી થયેલા માલસામાનની કિમત અંદાજે 40 લાખથી 60 લાખ છે. પોલીસે શંકા સેવી હતી કે આ મોટી ચોરીમાં રાજ મહેલમાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા છતાં એકપણ સીસીટીવીમાં તસ્કરો નહીં દેખાતા કોઇ જાણભેદુ પણ હોઇ શકે. હાલ પોલીસે રાજ મહેલમાં કામ કરતા કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે. રાજ મહેલોમાં ચોરી કરતી ગેંગની પણ કુંડળી તપાસવાની શરૂ કરી છે, પરંતુ હવે આ લાખોની જૂનવાણી વસ્તુઓની ચોરી કરનાર ક્યારે ઝડપાય છે અને પોલીસને કયારે સફળતા મળે છે તે જોવાનું રહ્યુ.