ચાલુ યુદ્ધમાં કચ્છની મહિલા પાયલોટે યુક્રેનમાં પ્લેન લેન્ડ કર્યુ, એક કલાકમાં 242 વિદ્યાર્થીને લઇ ભારત પરત ફરી, જાણો તેના સાહસની વાત
યુદ્ધના કપરો સમય ચાલી રહ્યો હતો. યુદ્ધના દ્રશ્યો સામે હોય ત્યારે પ્લેન ચલાવવુ પડકારજનક બની રહે તે સ્વાભાવિક છે. જો કે અન્ય સિનિયર્સના માર્ગદર્શન હેઠળ દિશાએ યુક્રેનના હવાઇઅડ્ડા પર નિયત કરતા ઓછા સ્પેસમાં પ્લેન લેન્ડ કર્યું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના (Russia-Ukraine War) કારણે હાલમાં સમગ્ર વિશ્વમાં તંગદીલિનો માહોલ છે. રશિયા-યુક્રેનના યુદ્ધના દ્રશ્યો પણ એક પછી એક સામે આવી રહ્યા છે. આવા જ યુદ્ધના દ્રશ્યો વચ્ચે કચ્છ (Kutch) ની એક મહિલા પાયલોટે એક સાહસભર્યુ કામ કર્યુ છે. જેના માટે તેની ચારે તરફ પ્રશંસા થઇ રહી છે. એર ઇન્ડિયાની આ મહિલા પાયલોટે (Pilot) ચાલુ યુદ્ધ દરમિયાન જ પ્લેન યુક્રેનમાં ઉતાર્યુ અને એક જ કલાકમાં 242 ભારતીય વિદ્યાર્થીને પ્લેનમાં બેસાડી તે ભારત પરત ફરી હતી.
કચ્છની તૂમ્બડી વિસ્તારની દીકરી દિશા ગડા એર ઈન્ડિયામાં પાયલોટ છે. જે દિવસે યુદ્ધની જાહેરાત થઇ તે દિવસે દિશા ગડા ભારતથી એર ઇન્ડિયાનું પ્લેન લઇ અન્ય ચાર વરિષ્ઠ કૃ મેમ્બરો સાથે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને લેવા રવાના થઇ હતી. આ ફલાઇટ વાયા કાળા સમુદ્ર થઇ યુક્રેનના કિવ સ્થિત બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 80 નોટિકલ માઈલ દૂર હતી ત્યારે જ યુદ્ધનની શરુઆત થઇ હતી. કચ્છની દિશા ગડા એર ઈન્ડિયાનુ વિમાન લઈને યુક્રેનમાં લેન્ડ થઈ તે જ સમયે યુદ્ધ શરુ થઇ ગયુ હતુ. દિશા ગડા પોતે આ યુદ્ધની સાક્ષી પણ બની. સાહસવીર દિશાએ યુદ્ધની પરવા કર્યા વિના પ્લેન લેન્ડ કર્યુ હતુ.
યુદ્ધ ચાલતુ હતુ. યુદ્ધના દ્રશ્યો સામે હોય ત્યારે પ્લેન ચલાવવુ પડકારજનક બની રહે તે સ્વાભાવિક છે. જો કે અન્ય સિનિયર્સના માર્ગદર્શન હેઠળ દિશાએ યુક્રેનના હવાઇઅડ્ડા પર નિયત કરતા ઓછા સ્પેસમાં પ્લેન લેન્ડ કર્યું હતું. ત્યાર બાદ એરઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ ત્યાંની એરપોર્ટ ઓથોરિટી સાથે વાટાઘાટ કરી એક કલાકના ટૂંકા સમયગાળામાં યુક્રેનથી ભારત આવવા માંગતા મેડિકલના 242 છાત્રોને પ્લેનમાં બેસાડ્યા હતા અને આ તમામ વિદ્યાર્થીને યુદ્ધ વચ્ચે જ પ્લેનમાં બેસાડી પરત મુંબઈ લાવવામાં આવ્યા હતા. આમ ગુજરાતની દિશા સહિત ભારતના અનેક ક્રુ મેમ્બર્સ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે તારણહાર સાબિત થયા હતા.
હાલ દુનિયાભરમાં રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુદ્ધ ચર્ચામાં છે અને રશિયા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. ત્યારે કચ્છની દિશાના ચારેતરફ વખાણ થઇ રહ્યા છે. લોકો જૈન સમાજની આ દીકરીને અભિનંદન પાઠવી રહ્યા છે.
મહત્વનું છે કે છાત્રોને પરત લાવવામાં મદદરૂપ થનાર મહિલા પાયલોટ દિશા ગડા કચ્છ જિલ્લાના મોટી તુંબડી ખાતે વસવાટ કરતા લીનાબેન જયેશ ગડાની પુત્રી છે. દિશાએ એર ઇન્ડિયામાં જ પાયલોટ તરીકે ફરજ બજાવતા આદિત્ય મન્નુર સાથે લગ્ન કરેલા છે અને હાલ તે પોતાના પતિ સાથે મુંબઈમાં રહે છે. જો કે દિશા મૂળ કચ્છની હોવાથી તેના સાહસથી કચ્છના લોકોની છાતી આજે ગૌરવથી ફુલાઇ ગઇ છે. કચ્છની આ દિશાને દરેક દિશાએથી સલામી મળી રહી છે.
આ પણ વાંચો-
Surat : એક મહિનામાં 1000 કરોડ કેવી રીતે ખર્ચાશે ? પાલિકા પાસે કોઈ જવાબ નથી
આ પણ વાંચો-