Surendranagr: ચાંદીની લૂંટના કેસમાં આંતરરાજય તેમજ સ્થાનિક ગેંગની સંડોવણી હોવાની વિગતો સામે આવી
પોલીસ તપાસમાં જાણ થઈ હતી કે 7 જેટલા લૂટારૂઓ હિન્દી તથા ગુજરાતીમાં બોલતા હોવાનો ખુલાસો થયો હતો.
સુરેન્દ્રનગરના સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટની જે ઘટના બની હતી તેમાં હજી લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર છે. જોકે સ્થાનિક લોકો સાથેની વાતચીત તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણીને આધારે પોલીસ એવા પ્રાથમિક તારણ ઉપર પહોંચી છે કે આ લૂંટ આંતરરાજ્ય તથા સ્થાનિક ગેંગે મળીને કરી હશે. પોલીસ તપાસમાં જાણ થઈ હતી કે 7 જેટલા લૂટારૂઓ હિન્દી તથા ગુજરાતીમાં બોલતા હોવાનો ખુલાસો થયો હતો.
આંતરરાજ્ય ગેંગ હોવાનું અનુમાન
આ ઘટનામાં 4 જિલ્લાની પોલીસની કુલ 12 ટીમ લૂટારૂઓને પકડવા દોડતી થઈ છે. અને તમામ સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકથી ધમધમતા સાયલામાં અંદાજિત 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. કુલ 3.88 કરોડની જવેલરીની લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે સઘન તપાસ શરૂ કરી છે . આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આ ગેંગ આંતરરાજ્ય તેમજ સ્થાનિક ગેંગ હશે.
નોંધનીય છે કે રાત્રે કુરિયરની ગાડી રાજકોટથી અમદાવાદ જવા માટે 9-40 વાગ્યે નીકળી હતી અને આ ગાડી સાયલા નજીક પહોંચતા 3 જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી.
લૂંટની ઘટના બાદ સિલ્વર એસોસિએશનના પ્રમુખ ન્યૂઝ એર સર્વિસની ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે જે લૂંટ થઇ છે તેમાં અલગ અલગ વેપારીઓનો માલ હતો અને અમને સરકાર અને પોલીસ પર વિશ્વાસ છે કે અમારો માલ પરત આવી જશે.