Surat : યુનિ. કેમ્પસમાં 11 માસનો કરાર રિન્યુ કરવાની માંગ સાથે 400 હંગામી કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
10 ફેબ્રુઆરીના રોજ સિન્ડીકેટ સભામાં 11 માસના કરાર પર કાર્યરત 400 જેટલા કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો,આ નિર્ણયને પગલે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો
સુરત (Surat) ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (University) ની હાલમાં જ યોજાયેલ સિન્ડીકેટ સભામાં 400 કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં કર્મચારીઓને દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે આજે વહેલી સવારે કરાર રિન્યુ કરવા સંદર્ભે કર્મચારીઓ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠાં થઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ (protest) પ્રદર્શનમાં જોડાયા હતા.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત 10મી ફેબ્રુઆરીના રોજ સિન્ડીકેટ સભામાં 11 માસના કરાર પર કાર્યરત 400 જેટલા કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિન્ડીકેટ સભામાં લેવામાં આવેલા આ નિર્ણયને પગલે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેના ભાગરૂપે આજે છુટ્ટા કરવામાં આવેલા તમામ કર્મચારીઓએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠાં થઈને ફરી તેમને 11 માસ માટે નોકરીએ રાખવા સંદર્ભે રજુઆત કરી હતી.
હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં મોટા ભાગના કર્મચારીઓ આર્થિક પછાત વર્ગના છે અને તેઓના પરિવારના જીવન નિર્વાહનો આધાર માત્રને માત્ર યુનિ. થકી મળતો પગારનો સ્ત્રોત છે.
જેથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા કરાર પૂર્ણ થયેની તારીખથી સાત દિવસનો બ્રેક આપીને પુનઃ 11 માસ માટે કરાર રિન્યુ કરવા વિનંતી કરી હતી. આજે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં 400 કર્મચારીઓ જોડાયા હતા. અને જો આ મામલે ત્વરિત કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો હજી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ Valentine’s Day ની અનોખી ઉજવણી, સરકારી શાળાના 1500 બાળકોએ માતા – પિતાનું પૂજન કર્યું