Surat: કોરોનાકાળ બાદ માર્કેટોમાં લગ્નસરાની ધૂમ ખરીદી, ફાઇબર ટુ ફેશનની ચેઇન વિશાળ કરવા વેપારીઓ કામે લાગ્યા
ટેકસટાઇલ માર્કેટમાં (Textile market) છેલ્લા અઢી વર્ષ બાદ તેજીની રોનક જોવા મળી રહી છે. સાડી સિવાયના સેગમેન્ટ જેવા કે ડ્રેસ મટીરિયલ, કુર્તી, ધોતી, જેન્ટ્સ કુર્તા વગેરેના કાપડ તેમજ ગારમેન્ટસના ધૂમ ઓર્ડર સુરતનાં વેપારીઓને મળી રહ્યા છે.
Surat: ટેકસટાઇલ માર્કેટમાં (Textile market) છેલ્લા અઢી વર્ષ બાદ તેજીની રોનક જોવા મળી રહી છે. સાડી સિવાયના સેગમેન્ટ જેવા કે ડ્રેસ મટીરિયલ, કુર્તી, ધોતી, જેન્ટ્સ કુર્તા વગેરેના કાપડ તેમજ ગારમેન્ટસના ધૂમ ઓર્ડર સુરતનાં વેપારીઓને મળી રહ્યા છે. ઉત્તર ભારતના રાજયોમાંથી લેડીઝ ડ્રેસ મટીરિયલ તેમજ કુર્તીના મોટા પાયે ઓર્ડર મળ્યા હોઇ, સુરતના ટેકસ્ટાઇલ માર્કેટના વેપારીઓમાં હાલ લગ્નસરાની નીકળેલી ખરીદીને કારણે રાહતની લાગણી જોવા મળી રહી છે.
સુરતના કાપડ ઉદ્યોગની અંતિમ કડી ગણાતા ટેકસ્ટાઇલ વેપારીઓને હાલમાં ઘરાકીમાંથી ફુરસદ નથી મળી રહી. કોરોના કાળ બાદ ટેકસ્ટાઇલ વેપારીઓની જાણે દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો હતો. છેલ્લા બે વર્ષની દિવાળી પણ સાવ ફિક્કી રહી હતી. પરંતુ, હાલના ઉનાળા વેકેશનમાં સુરતના ટેકસટાઇલ બજારમાં ઘરાકીનો વાયરો ફૂંકાયો છે. આ વખતે લગ્નસરાની સીઝનમાં ખૂબ લગ્નોત્સવ યોજવાના છે અને તેને લઇને ઘરાકી નીકળી છે. સુરતના ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ હવે સાડીની સાથે ડ્રેસ મટીરિયલ તેમજ તૈયાર કૂર્તા, ધોતીના કાપડ, દુપટ્ટા વગેરેનો પણ ધંધો કરતા હોઇ, હાલ સાડીમાં ખાસ માર્કેટ નથી પણ ડ્રેસ મટીરિયલમાં ભારે ઘરાકી નીકળી છે.
સ્ટીચીંગ મશીન્સના યુનિટ સ્થપાઈ રહ્યા છે
સુરતના ટેક્ષટાઈલ ઉધોગમાં હવે મહિલાઓ માટેની રેડીમેડ કુર્તી, જેન્ટ્સ કૂર્તી તેમજ રેડીમેડ શર્ટસની ઘરાકી નીકળી હોઇ, સુરતમાં ફાઇબર ટુ ફેબ્રિક જગ્યાએ ફાઇબર ટુ ફેશન સુધીની ચેઇન વિસ્તરે તે માટે હાલમાં સુરતમાં જ સ્ટીચીંગ યુનિટ ઇન્સ્ટોલ થઇ રહ્યા છે. હાલમાં એકલા સચિન અને પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં જ છેલ્લા બે મહિનામાં 5 હજારથી વધુ સ્ટીચીંગ મશીન્સના યુનિટ લાગ્યા છે. એક શેડમાં એક સાથે 509 જેટલાસ્ટીચીંગ યુનિટ્સ નાંખીને રેડીમેડ ગારમેનું યુનિટ તૈયાર કરવામાં ઉદ્યોગપતિઓ મૂડીરોકાણ કરી રહ્યા છે. ભવિષ્યમાં હવે સુરતમાં ફેબ્રિક જ નહીં પરંતુ ગારમેન્ટસના પણ ઓર્ડર મળવા માંડશે.