Surat: SOGએ પ્રતિબંધિત સિગારેટના 2 લાખથી વધુના જથ્થા સાથે વેપારીને ઝડપી પાડયો
સુરતમાં ફરી એક વખત SOG પોલીસે પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો સુરતમાંથી ઝડપી પાડયો છે. પોલીસે પ્રતિબંધિત સિગારેટ વહેંચતા એક આરોપીને ઝડપી પાડયો છે.પોલીસે 2 લાખથી વધુની સિગારેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Surat: શહેર પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સતત પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા પ્રતિબંધિત ઈ-સિગારેટ, હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, તથા ઈ-હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહેલ છે.
આ સમગ્ર બાબતની માહિતી પોલીસને મળી હતી. ત્યારે આવા રીટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન સુરત SOG પોલીસે પાલનપુર પાટીયા વિસ્તારમાંથી સરકાર દ્વારા પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા વેપારીને સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડયો છે.
SOGની ટીમને મળી હતી પ્રતિબંધિત સીગારેટની બાતમી
સુરત SOG પોલીસના ઇન્ચાર્જ પી આઈ આર.એસ.સુવેરા દ્વારા સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈહુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. જે ટીમો દ્વારા આવા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી. આ દરમ્યાન SOG ની ટીમને બાતમી મળી હતી કે પાલપુર પાટીયા રાંદેર રોડ ગણેશ મંદીરની સામે આવેલ મંગલમુર્તી શોપીંગ સેન્ટર દુકાન નં.22 “સુભાષ ટ્રેડર્સ” નામની દુકાનમાં સરકારની ટેક્ષ ચોરી અને વોર્નિંગ વિનાની સિગારેટ વેચાઈ રહી છે. જ્યા પોલીસની ટીમ દ્વારા રેઇડ કરી વેપારીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સંચા ખાતાના કારીગરો ઉપર ઘાતક હુમલો કરી લૂંટ મચાવી ભાગી છૂટેલો આરોપી 13 વર્ષ બાદ ઝડપાયો
બે લાખથી વધુની પ્રતિબંધિત સિગરેટ ઝડપી પાડી
સુરત SOG પોલીસે દુકાનમાં રેઈડ કરી વેપારી સુભાષભાઈ લાલચંદ અમરનાણીને ઝડપી પાડયો હતો. પોલીસની ટીમ દ્વારા તેની દુકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હેલ્થ વોર્નીંગ વગરની અને સરકારના ટેક્સ ચોરીની સિગારેટ નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે BLACK કંપનીની સિગરેટના પેકેટ 210 નંગ,ESSE Gold કંપનીની સિગારેટ પેકેટ 50 ESSELight કંપનીની સિગારેટ પેકેટ 660 નંગ અને ESSE BLACK 230 નંગ મળી કુલ પેકેટ 1150 નંગ મળી કુલ 2,11,200ની સિગારેટના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો