Bharuch: નાર્કોટીક્સના મુદ્દામાલનો BEIL ખાતે કરાયો નાશ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા
અંકલેશ્વર સ્થિત કેમિકલ વેસ્ટ ડિપોઝલ સાઈટ BEIL ખાતે નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા.
Bharuch: અંકલેશ્વર સ્થિત કેમિકલ વેસ્ટ ડિપોઝલ સાઈટ BEIL ખાતે નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો હતો. BEIL ખાતે દેશનું સૌથી મોટું ઇનસીનરેટર આવેલું છે. ગુજરાત ATS, CID ક્રાઇમ અને ગુજરાત પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) પણ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા. IGP સુભાષ ત્રિવેદી અને ભરૂચ SP ડો. લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 8 IPS અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થોનો ઇનસીનરેટરમાં સળગાવી નિકાલ કરવામાં આવ્યો હતો.
અગાઉ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો
આ પહેલા 30 જુલાઇ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચંદીગઢમાં નશીલી દવાઓની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન NCBએ અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ કોન્ફરન્સમાં શાહે કહ્યું, ‘ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. તે આપણા સમાજ અને દેશની જડો માટે ઉધઈની જેમ કામ કરે છે.
તે સમયે અમિત શાહે કહ્યું હતુ કે, ‘ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. 2014 થી ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. માદક પદાર્થ માનવીની સાથે સાથે સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર પણ ખરાબ અસર કરે છે. શાહે કહ્યું, નશીલા પદાર્થોની દાણચોરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને નશીલા પદાર્થોની દાણચોરી પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવી જોઈએ. આપણે નશીલા પદાર્થોની દાણચોરી પર લગામ લગાવીને આજની યુવા પેઢીને બચાવવાની છે.