Surat: શરતો મુકતા આ વર્ષે રથયાત્રા ઈસ્કોન મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય
અમદાવાદમાં જ્યારે શરતોને આધીન રથયાત્રાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાને પાલનપુર પાટિયા 3 કિ.મી સુધી રથ ફેરવવાની મંજૂરી આપવામાં આવી હતી.

Surat: સુરતમાં છેલ્લા 27 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (RathYatra) આ વર્ષે કાઢવામાં નહીં આવે. સુરતના ઈસ્કોન મંદિર (Iscon Temple) દ્વારા છેલ્લા 27 વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે પણ આ રથયાત્રા કાઢવા માટે ચુસ્ત ગાઈડલાઈન બતાવતા મંદિરના રથયાત્રાના આયોજકો દ્વારા રથને મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે અમદાવાદમાં જ્યારે શરતોને આધીન રથયાત્રાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાને પાલનપુર પાટિયા 3 કિ.મી સુધી રથ ફેરવવાની મંજૂરી આપવામાં આવી હતી. રથમાં 150 વ્યક્તિઓ જોડાશે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. પરંતુ આજે ફરી એકવાર આ રથયાત્રા પર શરતોને લઈને બ્રેક લાગી ગઈ છે. ઈસ્કોન મંદિરના વૃંદાવન પ્રભુના જણાવ્યા પ્રમાણે રથ ખેંચવા માટે ઓછામાં ઓછા 200 વ્યક્તિઓની જરૂર પડે છે પણ તેની સામે ફક્ત 60ને મંજુરી આપવામાં આવી છે.
એટલુ જ નહીં વેક્સિન લીધા બાદ પણ તમામના RTPCR ટેસ્ટ રિપોર્ટ માંગવામાં આવતા હરિભક્તોમાં કચવાટ જોવા મળ્યો છે. આ નિયમોને કારણે હવે રથયાત્રા ફક્ત મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે હરિભક્તોમાં રોષ એટલા માટે પણ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે નેતાઓના મેળાવડા, રેલીઓ અને સભાઓમાં ભીડ કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યારે રથયાત્રા માટે કેમ આટલા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જોકે ઈસ્કોન મંદિર દ્વારા નિકળનારી આ યાત્રા સતત બીજા વર્ષે પણ કાઢવામાં નહીં આવે. જેના કારણે હરિભક્તોમાં નિરાશાની લાગણી જોવા મળી રહી છે.